ગુજરાતમાં 100 કરોડથી વધુના ખર્ચે સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટનો વિકાસ થશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ખાતે રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રામકૃષ્ણ મઠના ભોજનાલય, સંતઆવાસ તેમજ પ્રાર્થનાખંડનું ઉદ્ઘાટન કર્યું
:: વડાપ્રધાનશ્રી::
- આજે ભારત પોતાના જ્ઞાન, પરંપરા અને સદીઓ જૂના ઉપદેશોના આધાર પર આગળ વધી રહ્યું છે
- આપણા યુવાનોને રાષ્ટ્ર નિર્માણના તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ માટે તૈયાર કરવા પડશે. આપણા યુવાનોએ રાજકારણમાં પણ દેશનું નેતૃત્વ કરવું જોઈએ
- અમારો સંકલ્પ એક લાખ તેજસ્વી અને ઊર્જાવાન યુવાનોને રાજકારણમાં લાવવાનો છે, જે 21મી સદીના ભારતીય રાજકારણનો નવો ચહેરો બનશે, દેશનું ભવિષ્ય બનશે
- આધ્યાત્મિકતા અને સાતત્યપૂર્ણ વિકાસના બે મહત્વપૂર્ણ વિચારોને યાદ કરવા જરૂરી છે. આ બે વિચારો વચ્ચે સુમેળ સાધીને આપણે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ
:: મુખ્યમંત્રી શ્રી::
- સ્વામી વિવેકાનંદજીનો ગુજરાત સાથે અનન્ય નાતો છે
- સ્વામી વિવેકાનંદજી ભારતના આધ્યાત્મિક વારસાના સંદેશાવાહક
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરે છે, સ્વામી રામકૃષ્ણ પરમહંસના સેવા અને યોગ માર્ગને વડાપ્રધાનશ્રીએ ચરિતાર્થ કર્યો છે
રામકૃષ્ણ મિશન તેમજ રામકૃષ્ણ મઠ બેલુરના અધ્યક્ષ સ્વામી શ્રી ગૌતમાનંદજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાણંદ તાલુકાના લેખંબા સ્થિત રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજનું ભારત પોતાના જ્ઞાન, પરંપરા અને સદીઓ જૂનાં ઉપદેશોને આધારે આગેકૂચ કરી રહ્યું છે.
આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વર્તમાન સમયમાં વધી રહેલા વર્ચસ્વ પર ભાર મૂકતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ આધુનિક વિજ્ઞાનના ખૂબ જ સમર્થક વિવેકાનંદ માનતા હતા કે, વિજ્ઞાનનું મહત્ત્વ માત્ર વસ્તુઓ કે ઘટનાઓનાં વર્ણન પૂરતું મર્યાદિત નથી, પણ વિજ્ઞાનનું મહત્ત્વ આપણને પ્રેરિત કરવામાં અને આપણને આગળ લઈ જવામાં રહેલું છે.
ભારતની ઓળખને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાંનાં પગલાં, માળખાગત સુવિધાનાં ક્ષેત્રમાં આધુનિક નિર્માણ અને ભારત દ્વારા આપવામાં આવી રહેલા વૈશ્વિક પડકારોનું સમાધાન પ્રદાન કરવા જેવી અનેક સિદ્ધિઓથી ભારતની ઓળખને માન્યતા મળી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે “સ્વામી વિવેકાનંદ માનતા હતા કે યુવાશક્તિ દેશની કરોડરજ્જુ છે.” યુવાનોની શક્તિ વિશે સ્વામી વિવેકાનંદનાં અવતરણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે અને આપણે આ જવાબદારી ઉપાડવી પડશે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતે આજે અમૃતકાળની નવી સફર શરૂ કરી છે અને વિકસિત ભારતનો અચૂક ઉકેલ લીધો છે. આપણે નિર્ધારિત સમયમર્યાદામાં આ લક્ષ્યાંક હાંસલ કરવાની જરૂર છે એ વાત પર ભાર મૂકતા વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારત દુનિયામાં સૌથી યુવા રાષ્ટ્ર છે.”
તેમણે ઉમેર્યું હતું કે, આજે ભારતનાં યુવાનોએ દુનિયામાં પોતાની ક્ષમતા અને ક્ષમતાનો પુરાવો આપ્યો છે તેમજ ભારતની યુવાશક્તિ જ વિશ્વની સૌથી મોટી કંપનીઓનું નેતૃત્વ કરી રહી છે અને તેમણે જ ભારતનાં વિકાસની જવાબદારી સંભાળી છે.
આજે દેશ પાસે સમય અને તકો છે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ રાષ્ટ્રનિર્માણનાં દરેક ક્ષેત્રમાં નેતૃત્વ માટે યુવાનોને તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોની જેમ આપણા યુવાનોએ પણ દેશનું રાજકારણમાં નેતૃત્વ કરવાની જરૂર છે તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ આગામી સમયમાં 1 લાખ પ્રતિભાશાળી અને ઊર્જાવાન યુવાનોને રાજકારણમાં લાવવાના સરકારના સંકલ્પનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો. આ યુવાનો 21મી સદીના ભારતીય રાજકારણ અને દેશના ભવિષ્યનો નવો ચહેરો બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આધ્યાત્મિકતા અને સાતત્યપૂર્ણ વિકાસ પર ભાર મૂકતાં વડાપ્રધાનએ કહ્યું હતું કે, પૃથ્વીને શ્રેષ્ઠ બનાવવા માટે યાદ રાખવા જેવા બે મહત્ત્વપૂર્ણ વિચારો છે. આ બંને વિચારો વચ્ચે સુમેળ સાધીને આપણે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ તેમ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિકતાની વ્યવહારિક પાસા પર ભાર મૂકતા હતા અને સમાજની જરૂરિયાતો પૂર્ણ કરી શકે તેવી આધ્યાત્મિકતા ઇચ્છતા હતા. વિચારોની શુદ્ધતાની સાથે સ્વામી વિવેકાનંદ આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવા પર પણ ભાર મૂકતા હતા.
આર્થિક વિકાસ, સામાજિક કલ્યાણ અને પર્યાવરણનાં સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવીને સ્થાયી વિકાસનું લક્ષ્ય હાંસલ કરી શકાય છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદના વિચારો આ લક્ષ્યાંક સુધી પહોંચવા આપણને માર્ગદર્શન આપશે. આધ્યાત્મિકતા અને ટકાઉપણા એમ બંનેમાં સંતુલન જાળવવું મહત્ત્વપૂર્ણ છે. એક વ્યક્તિ મનની અંદર સંતુલન સર્જે છે, ત્યારે બીજી વ્યક્તિ આપણને પ્રકૃતિ સાથે સમતોલન જાળવવાનું શીખવે છે. રામકૃષ્ણ મિશન જેવી સંસ્થાઓ મિશન લાઇફ, એક પેડ મા કે નામ જેવા આપણા અભિયાનોને વેગ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેવો વિશ્વાસ પણ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લેખંબા સ્થિત રામકૃષ્ણ મઠના સંત નિવાસ, ભોજનાલય અને પ્રાર્થનાખંડનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદજીનો ગુજરાત સાથે અનન્ય નાતો છે. સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં રહ્યા તે ગુજરાતનું સૌભાગ્ય છે. સ્વામીજીના જીવન-કવન લોકો સુધી પહોંચે તે માટે રાજ્યમાં રૂ. ૧00 કરોડથી વધુના ખર્ચે સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટનો વિકાસ થઈ રહ્યો છે.
આ પ્રસંગે આયોજિત જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરે છે, સ્વામી રામકૃષ્ણપરમહંસના સેવા અને યોગ માર્ગને વડાપ્રધાનશ્રીએ ચરિતાર્થ કર્યો છે. આજની યુવાપેઢી સ્વામીજીના વિચારોને જાણે અનુસરે તેવા પ્રયાસ પણ વડાપ્રધાનશ્રી કરતા રહ્યા છે.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યભરમાં આવેલા વિવિધ રામકૃષ્ણ મઠોની પ્રવૃત્તિઓ, સમાજ ઉપયોગી કાર્યો અને રાજકોટના ઐતિહાસિક રામકૃષ્ણ મઠના સાંસ્કૃતિક મહત્વની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, સ્વામી વિવેકાનંદજી ભારતના આધ્યાત્મિક વારસાના સંદેશાવાહક છે. તેમના વિચારો આજે પણ આપણું માર્ગદર્શન કરે છે, સમસ્યાઓનું સમાધાન આપે છે.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્ર સાથે વિકાસનો રોડમેપ આપ્યો છે. સંસ્કૃતિને ટકાવી રાખીશું તો જ વિકાસનો પાયો મજબૂત બનશે. ચારિત્ર્ય નિર્માણ સાથે આગળ વધીશું તો નિર્ધારિત લક્ષ્ય પર પહોંચીશું. વડાપ્રધાનશ્રીએ આ આદર્શોને અનુસરીને ભારતની વિકાસયાત્રા પ્રશસ્ત કરી છે, વિશ્વમાં ભારતની મજબૂત દેશ તરીકેની છબી ઉભરી આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના રામકૃષ્ણ મઠ ખાતે આગામી સમયમાં બનનારી સુવિધાઓ- છાત્રાલય, યુવા તાલીમ કેન્દ્ર, હાઈટેક થીમ પાર્ક, યાત્રી નિવાસ વિગેરે પ્રકલ્પો મઠને વધુ લોકભોગ્ય બનાવશે તેવો મત વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ રામકૃષ્ણમઠના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજીએ લેખંબા મઠ ખાતે ભવિષ્યમાં નિર્માણ થનારા વિવેકાનંદ થીમ પાર્કની વિસ્તૃત છણાવટ કરી હતી.
તેમણે કહ્યું કે, સ્વામી વિવેકાનંદજીના વિશ્વ ઉત્થાન માટેના યોગદાનને અહીં ટેકનોલોજીના સમન્વયથી પ્રદર્શિત કરવામાં આવશે. આ સાથે પ્રસ્તાવિત થીમપાર્ક ગુજરાત માટે નવલું નજરાણું બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રામકૃષ્ણ મિશન તેમજ રામકૃષ્ણ મઠ બેલુરના અધ્યક્ષ સ્વામી શ્રી ગૌતમાનંદજી મહારાજ પણ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ, રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા સંતગણ તેમજ અનુયાયીયો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.