મજબૂતીથી મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે: મુખ્યમંત્રી
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનો કાર્યક્રમ યોજાયો
પ્રતિનિધિ, અમદાવાદ, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ નિમિત્તે રાજ્યના લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ACB દ્વારા શાળાઓમાં આયોજિત નિબંધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં સામે આવી ફરિયાદ કરનાર ફરિયાદીઓ, ફરિયાદીને ન્યાય અપાવનાર સરકારી વકીલ અને ACBના અધિકારીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં એક મોટો બદલાવ આવ્યો છે ત્યારે કરપ્શનનો અવરોધ દૂર કરવાના સહિયારા પ્રયાસો પણ એટલા જ જરૂરી છે. તેમણે ACBની ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈની સરાહના કરવાની સાથોસાથ ACBના રાજ્યભરના અધિકારીઓ-કર્મચારીઓને પ્રેરણા આપતા રાજ્ય સરકાર તરફથી તમામ સહકારની ખાતરી આપી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે ભ્રષ્ટ અને આચાર જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક્કની બહારનું અને જરૂરિયાત કરતા વધારાનું મેળવવાના શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે. આપણે આ જે વાતાવરણ બન્યું છે તેને તોડવું પડશે અને મજબૂતીથી મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાનો હક્ક અને ન્યાય અપાવવા લાંચ રૂશ્વત વિરુદ્ધ લડાઈ લડી રહેલી એન્ટી કરપ્શન બ્યુરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ આડે રહેલો એક મોટો અવરોધ છે. જે ન્યાય, સમાનતા અને પારદર્શકતાના મૂલ્યોની સાથે-સાથે નાગરિક હિતોને પણ નુકસાન પહોંચાડે છે.
રાજ્યમાં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જ્યારથી મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને ખુલ્લા હાથની છૂટ મળી છે. તેના પરિણામે ગુજરાતમાં સૌથી વધુ લાંચિયા અધિકારી-કર્મચારીઓને ગંગાજળ પીવડાવવાનો શ્રેય પ્રાપ્ત થયો છે. એસીબીની કામગીરીની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, સમાજના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોને ન્યાય અપાવવાનું અને માનવતાનો ધર્મ અદા કરવાની કાર્ય એસીબી કરી રહી છે. છે.
એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક શમશેર સિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવીને ભ્રષ્ટાચારી અધિકારી-કર્મચારીઓને પકડીને ફરિયાદીને ન્યાય અપાવ્યો છે. રાજ્યમાંથી ભ્રષ્ટાચારને અટકાવવા એસીબી દ્વારા કેર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત એ. સી. બી દ્વારા ૧૮૬૪થી વધુ ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરી ફરિયાદી પાસેથી સૂચનો અને રજૂઆતો મેળવવામાં આવી છે. કેર પ્રોગ્રામથી પ્રેરિત થઈને એ.સી.બીના ફરિયાદીઓ ફરિયાદ કરવા પુનઃ પ્રોત્સાહિત થયા જેને પરિણામે નવી ફરિયાદો દાખલ કરવામાં સફળતા મળી છે. એસીબી દ્વારા ફાઇનાન્શિયલ ટાસ્ક ફોર્સની રચનાનું આયોજન કરવામાં આવ્યું છે.