કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ. કૃષ્ણાનું નિધન
કર્ણાટક, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ એસ.એમ. કૃષ્ણાનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે (૧૦મી ડિસેમ્બર) સવારે બેંગલુરુ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આજે મદ્દુર લઈ જવામાં આવશે.
એસ.એમ. કૃષ્ણાનો જન્મ ૧૯૩૨માં થયો હતો. તેમનું પૂરું નામ સોમનાહલ્લી મલ્લૈયા કૃષ્ણા છે. પદ્મ વિભૂષણથી સન્માનિતએસ.એમ. કૃષ્ણા ૧૯૯૯થી ૨૦૦૪ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અને ૨૦૦૪ થી ૨૦૦૮ સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચૂક્યા હતા. ૨૨મી મે ૨૦૦૯ના રોજ વડાપ્રધાન મનમોહન સિંહે કૃષ્ણાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા અને ૨૩મી મે ૨૦૦૯ના રોજ વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપી.
માર્ચ ૨૦૧૭માં એસએમ કૃષ્ણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ૨૦૨૩માં સરકારે એસ.એમ. કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા.એસ.એમ. કૃષ્ણાના પિતાનું નામ એસ.સી. મલ્લૈયા હતું. તેમણે મહારાજા કોલેજ, મૈસુરમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી સરકારી કોલેજ, બેંગ્લોરમાંથી કાયદાની ડિગ્રી લીધી મેળવી હતી.
ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અમેરિકા ગયા હતા. ત્યાંથી સ્નાતક થયા પછી તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. અમેરિકામાં સક્રિય રાજકારણમાં તેમનો રસ જાગ્યો. ત્યાં તેમણે જ્હોન એફ. કેનેડીની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કર્યાે હતો.
કર્ણાટકથી પરત ફર્યા બાદ તરત જ તેઓ ૧૯૬૨માં કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ૨૯મી એપ્રિલ ૧૯૬૪ના રોજ પ્રેમા સાથે લગ્ન કર્યા.વર્ષ ૧૯૬૦ની આસપાસ એસ.એમ. કૃષ્ણાએ રાજકીય ઈનિંગ્સ શરૂ કરી હતી. ૧૯૬૨માં તેમણે મદ્દુર વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ચૂંટણી જીતી હતી.
આ પછી તેઓ પ્રજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને ૧૯૬૮માં માંડ્યા લોકસભા બેઠકની પેટાચૂંટણી જીતી. ત્યારબાદ એસ.એમ. કૃષ્ણા કોંગ્રેસમાં જોડાયા અને ૧૯૭૧માં માંડ્યા લોકસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી જીત્યા. ૧૯૮૫માં એસ.એમ. કૃષ્ણા ફરીથી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા અને વિધાનસભાની ચૂંટણી લડ્યા. તેઓ ૧૯૯૯થી ૨૦૦૪ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી હતા.
તેઓ ડિસેમ્બર ૨૦૦૪થી માર્ચ ૨૦૦૮ સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. એસએમ કૃષ્ણાએ પીએમ મનમોહન સિંહની સરકારમાં વિદેશ મંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૩માં એસ.એમ. કૃષ્ણાએ જાહેરાત કરી કે તેઓ હવે સક્રિય રાજકારણમાં રહેશે નહીં.
કર્ણાટકના માંડ્યાથી ઘણી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના શાસનમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ ૧૯૮૩-૮૪ની વચ્ચે ઈન્દિરા ગાંધી અને ૧૯૮૪-૮૫ની વચ્ચે રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન ઉદ્યોગ અને નાણા રાજ્યમંત્રી બન્યા હતા.SS1MS