ખ્યાતિ કેસની તપાસમાં હવે ઇનકમ ટેક્સ પણ જોડાશે
અમદાવાદ, નિર્દાેષ લોકોના જીવ સાથે જ્યાં રમત થતી હતી તે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ સીધી સરકાર સાથે જ ઠગાઇ કરીને સરકારને કરોડોનો ચૂનો લગાવ્યો છે. આ ઠગ ટુકડીએ હિસાબોમાં ગોટાળા કરીને કરોડોની કરચોરી પણ કરી છે.
આ અંગેની તપાસ પોલીસ કરી રહી છે. જોકે હવે ખ્યાતિ હોસ્પિટલના આર્થિક વ્યવહારોની તપાસ ઇનકમ ટેક્સની ટીમ દ્વારા પણ કરવામાં આવશે. ઇનકમ ટેક્સના અધિકારીઓએ આ કૌભાંડની વિગતો મેળવી હોવાનું જાણી શકાયું છે. માત્ર કૌભાંડ કરવા અને સરકારી યોજનાધારકોના બિનજરૂરી ઓપરેશન કરી લાખોની કાળી કમાણી કરવા જ ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી.
ખ્યાતિ હોસ્પિટલની ટીમ દ્વારા અંતરિયાળ ગામડાંમાં જઇને કેમ્પ કરી લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા. આ દર્દીઓને કોઇ પણ જરૂર ન હોય તેમ છતાં તેમના ઉપર સર્જરી કરી સરકારી યોજનાના બિલ પાસ કરાવી દેવાતા હતા.
હોસ્પિટલના ચાલાક સંચાલકોએ આ સરકારી યોજનાઓના બિલ સિવાય પણ ઘણા દર્દીઓની સારવાર કરી કરોડોની કમાણી કરી હતી. જે આવક તેમના દ્વારા છૂપાવીને કરોડોની કરચોરી કરવામાં આવી હોવાનું જાણી શકાયું છે. તેને પગલે હવે ખ્યાતિ કૌભાંડની તપાસમાં ઇનકમ ટેક્સની ટીમ પણ જોડાશે.
આયકર વિભાગ દ્વારા તમામ તબીબો અને સંચાલકોની સ્થાવર અને જંગમ મિલકતોની તપાસ શરૂ કરવામાં આવશે અને તેમણે કેટલી કરચોરી કરી તે શોધવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલના ચિરાગ રાજપૂતને તો માસિક સાત લાખ રૂપિયાનો પગાર પણ ચૂકવવામાં આવતો હતો.
આ ઉપરાંત તે રોકડમાં ઘણી જગ્યાએથી ઘણું કમિશન મેળવતો હોવાની વિગતો પણ તપાસ એજન્સીઓના ધ્યાનમાં આવી છે.ખ્યાતિકાંડની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ૩ ઇન્સ્પેક્ટરોની છ ટીમ કામ કરી રહી છે. આ ઉપરાંત મેડિકલ એક્સપર્ટસની ટીમ અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ તપાસ કરે છે. ઇનકમ ટેક્સની એન્ટ્રીથી કરચોરીની વિગતો સામે આવશે.SS1MS