Western Times News

Gujarati News

14 દિવસમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી 410 કિમીની પદ યાત્રા કરશે 40 યુવા NCC કેડેટ્સ

એન.સી.સી.ની દાંડી પથ યાત્રા જ્યાંથી પસાર થશે ત્યાંના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ, લોકસેવાનો ભાવ પ્રગટાવશે : શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની દાંડી પથ યાત્રાને શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રસ્થાન કરાવ્યું

શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ગુજરાત એનસીસી કેડેટ્સ દ્વારા ‘વિકસિત ભારત, આત્મનિર્ભરતા, સ્વચ્છ ભારત,  સ્વસ્થ ભારત, મહિલા સશક્તિકરણ, શિસ્ત અને નીતિશાસ્ત્ર સાથેનું શિક્ષણ, વ્યસન મુક્તિ’ ના સંદેશ સાથે સાબરમતી આશ્રમથી દાંડી સુધી આયોજિત ૪૧૦ કિલોમીટરની પદ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીની પાવન ભૂમિથી આરંભાયેલી એન.સી.સી.ની આ પદ ઑયાત્રા જ્યાં જ્યાંથી પસાર થશે તે પ્રદેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ, અને લોકસેવાનો ભાવ પ્રગટ કરશે. 40 young NCC cadets will undertake a 410 km pad yatra from Sabarmati Ashram to Dandi in 14 days

શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુમાં કહ્યું હતું કે, ભારતનો પ્રત્યેક નાગરિક એકતા, સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમભાવથી પોતાનાં કર્તવ્યોનું ઈમાનદારીથી પાલન કરશે, તો આપણે વધુ તેજ ગતિથી વિકાસ તરફ આગળ વધી શકીશું.

એન.સી.સી.ના યુવાનો હંમેશાં અન્ય યુવાનો માટે પ્રેરણાનો સ્રોત રહ્યા છે. જે દેશના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ હોય અને રાષ્ટ્ર માટે ગૌરવની લાગણી હોય એ દેશ સમૃદ્ધ બને છે અને ઉન્નતિ તરફ આગળ વધે છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પદ યાત્રામાં ભાગ લઈ રહેલા એન.સી.સી કેડેટ્સને શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અભિનંદન આપીને આ યાત્રા તેના ઉદ્દેશ્યમાં સફળ થાય એવી શુભકામનાઓ પાઠવી હતી.

એનસીસી ગુજરાતના એડીસી મેજર જનરલ રમેશચંદ્રજીએ આ દાંડી પથ પદ યાત્રાની વિગતો આપતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત,  સ્વસ્થ ભારત, મહિલા સશક્તિકરણ, શિસ્ત અને નીતિશાસ્ત્ર સાથેનું શિક્ષણ, વ્યસન મુક્તિ’નો સંદેશો રાજ્યના ખૂણેખૂણા સુધી પહોંચાડવા માટે ૧૦મી ડિસેમ્બરથી ૨૪મી ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન આ દાંડી પદ યાત્રા યોજાશે. ૪૦ યુવા એનસીસી કેડેટ્સ ૪૧૦ કિલોમીટરની મુસાફરી કરીને દાંડીમાં દાંડી સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે પદ યાત્રાનું સમાપન કરશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, કેડેટ્સ આ પદ યાત્રા દરમિયાન શેરી નાટકો અને સમાજ જાગૃતિના કાર્યક્રમો કરશે. આ સાથે સ્કૂલ, કોલેજ અને સંસ્થાઓ તેમજ સમુદાયો સાથે સંવાદ પણ કરશે.

 

આ ઉપરાંત દાંડી સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે પહોંચ્યા બાદ કેડેટ્સ મહાત્મા ગાંધીના ઐતિહાસિક સત્યાગ્રહને શ્રદ્ધાંજલિ આપીને પ્રતીકાત્મક રીતે મીઠું તૈયાર કરશે. આ મીઠું નવી દિલ્હી લઈ જવામાં આવશે અને ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ એનસીસી પીએમ રેલી દરમિયાન વડાપ્રધાનશ્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.

 

ગુજરાતના એનસીસી કેડેટ્સ દ્વારા કરવામાં આવેલી આ પ્રેરણાદાયી પહેલ દાંડી કૂચના વારસાને માત્ર સન્માનિત કરતી નથી, પરંતુ દરેક નાગરિકને રાષ્ટ્રની પ્રગતિ અને એકતામાં યોગદાન આપવા માટે પ્રેરણા પણ આપે છે.

 

આ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે એનસીસી ગ્રૂપ હેડકવાટર અમદાવાદના બ્રિગેડિયર ગ્રૂપ કમાન્ડર એન.વી.નાથ, એનસીસીના અધિકારીગણ, પ્રશિક્ષકો, કેડેટ્સ, સાબરમતી આશ્રમના ડેપ્યૂટી ડાયરેક્ટર શ્રી વિરાટ કોઠારી તેમજ સાબરમતી આશ્રમના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.