3.5 કરોડનું ફુલેકું ફેરવનાર અમદાવાદનો ઠગ પંજાબમાં ભાડે ગાડી ચલાવતો હતો
દુબઇમાં રોકાણનું કહી સાડા ત્રણ કરોડનું ફુલેકું ફેરવનારું દંપતી પંજાબથી ઝડપાયું
(એજન્સી)અમદાવાદ, માત્ર ક્રેડિટ કાર્ડ વાપરવા લઇ તેના પર બેંક કરતાં વધુ વ્યાજની લાલચ આપી અમદાવાદના ઠગ દંપતીએ ૧૫ નાગરિકો સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરી છે. પોલીસે ઠગ દંપતીને પંજાબથી ઝડપી લીધું છે. પોલીસે આ ઠગ દંપતીનો ભોગ બનેલા લોકો પોલીસનો સંપર્ક કરે તેવી તાકીદ કરી છે. લોકોને ચૂનો લગાવીને પંજાબ ભાગી ગયેલા સૌરીન કાર ચલાવતો હતો અને અક્ષિતા ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.
આ બંટી બબલીએ ૪૦ લોકોને ચૂનો લગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં આમે આવી રહ્યું છે.જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહિ… આ વાતને સાચી સાબિત કરતા કૌભાંડમાં પોલીસે કૌભાંડી સૌરીન પટેલ અને તેની પત્ની અક્ષિતા પટેલને ઝડપી લીધા છે.
સામાન્ય ક્રેડિટ કાર્ડ વેચતા સૌરીન અને અક્ષિતાએ ૨૦૨૧થી ઠગાઈનું નેટવર્ક શરૂ કર્યું હતું. સૌરીને એન્જલ ફિનટેક નામની કંપની શરૂ કરી હતી. જેમાં સૌરીન અને તેની પત્ની અક્ષિતા ડાયરેક્ટર હતા.
ચાલાક સૌરીન લોકોને ફોન કરીને કહેતો કે ૧૦ ટકા ઊંચું વ્યાજ અને એક રૂપિયાનું પણ રોકાણ નહીં. જેની વાતમાં આવીને લોકો પોતાનું પાન કાર્ડ અને આધાર કાર્ડ સૌરીનને આપતા હતા. જેના દ્વારા તેઓ ક્રેડિટ કાર્ડ મેળવતા હતા. શરૂઆતના સમયમાં ક્રેડિટ કાર્ડમાં યોગ્ય રીતે પેમેન્ટ કરતા અને ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરાવતા હતા.
ક્રેડિટ કાર્ડની લિમિટ વધતા આખરે મોટી રકમ ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડી તેઓ ભરપાઈ કરતા નહીં, તો અમુક લોકોના બેંક એકાઉન્ટ્સ અને ક્રેડિટમાંથી તેઓ દ્વારા પર્સનલ લોન પણ મેળવી હતી. આ તમામ રૂપિયા પોતે દુબઈના ધંધામાં રોકતા હોવાનું રોકાણકારોને જણાવતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સૌરીન અને અક્ષિતા દ્વારા આચરેલા કૌભાંડમાં અંદાજિત ૪૦ જેટલા લોકો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે. બંને પતિ પત્નીએ ત્રણ વર્ષ સુધી લોકોના ક્રેડિટ કાર્ડમાંથી પૈસા મેળવતા રહ્યા અને આખરે જાન્યુઆરી ૨૦૨૪માં તેઓ અમદાવાદ છોડી ભાગી ગયા હતા.
બંટી બબલી અમદાવાદથી પંજાબ ખાતે રહેવા લાગ્યા હતા અને ત્યાં સૌરીન કાર ડ્રાઇવિંગ કરતો હતો તેમજ પત્ની અક્ષિતા ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાનું ખુલ્યું છે.ક્રાઇમ બ્રાંચે ભોગ બનેલા ૧૫ લોકોની ફરિયાદ નોંધી છે, જેમાં સાડા ત્રણ કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
જ્યારે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સૌરીન અને અક્ષિતા દ્વારા અન્ય કોઈ લોકો પાસેથી છેતરપિંડી કરવામાં આવી હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરે. તેમજ પોલીસે સૌરીન અને અક્ષિતાની ધરપકડ કરી લોકોના રૂપિયા ક્યાં વાપરવામાં આવ્યા છે તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહિ તેને લઈને પૂછપરછ શરૂ કરી છે.