Western Times News

Gujarati News

બે મિત્રો આખો દિવસ હસી ખુશીથી રહ્યાઃ મોડી રાત્રે નજીવી બાબતે ચપ્પુ હુલાવી મિત્રની હત્યા કરી

પ્રતિકાત્મક

લંડનથી આવેલા યુવકની અંગત મિત્રએ હત્યા કરી-યુવકે મિત્રની માતાને ગાળ બોલતાં હુમલો કરાયો

(એજન્સી)અમદાવાદ, લંડનથી પરિવારને મળવા આવેલા યુવકની ઘાતકી હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. હત્યા કરનાર કોઈ અજાણ્યો શખ્સ નહીં પરંતુ યુવકનો અંગત મિત્ર હોવાનો પર્દાફાશ થયો છે. યુવકે મિત્રની માતાને ગાળ બોલતા ખૂની હુમલો કર્યો હતો.

બન્ને મિત્રો આખો દિવસ હસીખુશીથી રહ્યા હતા અને મોડી રાતે મામલો બીચકયો હતો. મિત્રએ યુવકને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા ત્યારબાદ ફોન પર ધમકી આપીને નાસી ગયો હતો.

ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી યશકુંજ સોસાયટીમાં રહેતા કરણ ઉપેન્દ્રભાઈ પટેલે શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી હતી. કરણ વસ્ત્રાપુર ખાતે આવેલી મહાવીર સીસ પાવર કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે કરણ તેની પત્ની, માતા-પિતા, ભાઈ નિહાલ અને દીકરી રિહાના સાથે રહે છે. નિહાલ છેલ્લા ચાર વર્ષથી લંડન રહેતો હતો અને થોડા દિવસો પહેલાં અમદાવાદ આવ્યો હતો.

નિહાલના લગ્ન વર્ષ ર૦ર૦માં રિદ્ધિ સાથે થયા હતા પરંતુ અગમ્ય કારણોસર બન્ને અલગ અલગ રહે છે. કરણના પિતા ઉપેન્દ્રભાઈનું શાહપુર બાઈ સેન્ટર પાસે હરિદર્શન નામથી અમૂલનું પાર્લર આવેલું છે. ઉપેન્દ્રભાઈ બીમાર હોવાથી નિહાલ છેલ્લા બે દિવસથી પાર્લર પર બેસતો હતો.

તા.૭ ડિસેમ્બરના રોજ પાર્લરની સાફ-સફાઈ કરવાની હોવાથી કરણ અને નિહાલ થલતેજથી મજૂરોને લઈ શાહપુર પહોંચ્યા હતા. આખો દિવસ સફાઈનું કામ ચાલું રહ્યું હતું ત્યારબાદ મોડી રાતના એક વાગ્યાની આસપાસ કરણ ઘરે જતો રહ્યો હતો. પાર્‌ર્લર પર નિહાલ અને મજૂરો કામ કરી રહ્યા હતા.

વહેલી પરોઢના સાડા છ વાગ્યાની આસપસા નિહાલ ઘરે આવ્યો નહીં. જેથી ઉપેન્દ્રભાઈએ તેને ફોન કર્યો હતો. નિહાલનો ફોન કોઈ અજાણી વ્યક્તિએ ઉપાડયો હતો. જ્યાં ફોન પર તેને જણાવ્યું હતું કે, આ બેભાન અવસ્થામાં લોહીલુહાણ હાલતમાં કામા હોટલ પાસે પડયા છે. ઉપેન્દ્રભાઈએ તરત જ કરણ સહિત ઘરના તમામ સભ્યોને જાણ કરી દીધી હતી. ઉપેન્દ્રભાઈએ તરત જ શાહપુરમાં આઈસ્ક્રીમની દુકાન ધરાવતા સેતુભાઈને કામા હોટલ પાસે જવાનું કહ્યું હતું.

ઉપેન્દ્રભાઈ અને કરણ પણ બાઈક લઈને તરત જ ખાનપુર ખાતે આવેલી કામા હોટલ જવા રવાના થઈ ગયા હતા. પિતા-પુત્ર જ્યારે કામા હોટલ પાસે પહોચ્યા ત્યારે સેતુભાઈ ત્યાં હાજર હતા જ્યાં તેમણે કહ્યું કે નિહાલને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે. કામા હોટલ પાસે નિહાલ પાસે રહેલી કાર પડી હતી.

સેતુભાઈએ કરણને કારની ચાવી અને નિહાલનો મોબાઈલ આપ્યો હતો. સેતુભાઈએ જણાવ્યું હતું કે, અહીંથી પસાર થતી કોઈ અજાણી વ્યક્તિએ ૧૦૮ને ફોન કરીને બોલાવી હતી જ્યારે ઉપેન્દ્રભાઈનો ફોન આવ્યો ત્યારે આ જ અજાણી વ્યક્તિએ નિહાલનો ફોન રિસિવ કર્યો હતો.

આ દરમિયાન નિહાલના મોબાઈલમાં એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે કહ્યું હતું કે, મેં નિહાલને છરીના ઘા માર્યા છે તમારે જે તોડવું હોય તે તોડી લેજો. સેતુભાઈની વાત સાંભળીને કરણ તરત જ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. જ્યાં નિહાલ ટ્રોમા વોર્ડમાં બેભાન હાલતમાં હતો અને શરીરમાં અલગ અલગ જગ્યા પર છરીના ઘા માર્યા હતા. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે ટૂંકી સારવાર બાદ નિહાલનું મોત થયું છે.

નિહાલની કરપીણ હત્યા કરનાર કોઈ અજાણ્યો શખ્સ નહીં પરંતુ તેનો જ મિત્ર હોવાનો પર્દાફાશ થયો છે. નિહાલના અંગત મિત્ર જય ઓઝાએ તેની હત્યા કરી છે. પોલીસે જયને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. નિહાલ પર છરીના ઘા ઝીંકી દીધા બાદ જયે તેના મોબાઈલથી ફોન પર છરીના ઘા માર્યા હોવાની ધમકી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.