બાણજ અને રસુલાબાદ તથા તા. ૧૮મીએ સાગડોલ ખાતે સેવાસેતુ યોજાશે
આજુબાજુના ગામોના નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધાઓ એક જ સ્થળે સુલભ થશે રાજય સરકાર દ્વારા પાંચમા તબક્કાના સેવાસેતુનું સુદ્રઢ આયોજન
વડોદરા, રાજયના મુખ્યમંત્રીશ્રી એ જ્યાં માનવી ત્યાં સુવિધાનું પ્રેરણા સૂત્ર આપ્યું છે. તેને સાકાર કરવા અને લોકો કચેરીઓમાં આવે તેના બદલે વહીવટી તંત્ર, સેવાઓ અને યોજનાઓને લોકો સુધી લઈ જઈને લાભ આપવાના અભિગમ સાથે વડોદરા શહેર-જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બહુધા દર શુક્ર અને શનિવારે સેવા સેતુ કેમ્પસ યોજવાનું રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે.
નાગરિકોને તેમને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધા સ્થળ પર પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પારદર્શી અને નિર્ણાયક રાજય સરકારના જનકલ્યાણના આશય સાથે સ્થળ પર નિકાલ કરવા જનસુવિધાલક્ષી પારદર્શી અને સરળીકરણ કાર્યપધ્ધતિને અમલી બનાવી છે.
જિલ્લા પ્રશાસન દ્વારા સેવા સેતુના પાંચમા તબક્કા અંતર્ગત આગામી તા.૧૭ જાન્યુઆરી-૨૦૨૦ને શુક્રવારના રોજ સવારે ૯ વાગ્યે ડભોઇ તાલુકાના બાણજ તથા વાઘોડીયા તાલુકાના રસુલાબાદ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૧૮મીને શનિવારના રોજ કરજણ તાલુકાના સાગડોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમોમાં જે-તે ગામ ઉપરાંત આજુબાજુના ગામના ગ્રામજનો લાભ લઇ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરતી અરજી, આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિકોના પ્રમાણપત્રને લગતા દાખલાઓની અરજી-કામો, રેશનકાર્ડને લગતી અરજીઓ, મા અમૃત્તમ અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી, દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા આધાર કાર્ડ અરજીઓ, સ્કોલરશીપ યોજનાના લાભોની અરજીઓ, રાજય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળ વ્યક્તિગત લાભ માટેની અરજીઓ, વિધવા અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળની અરજીઓ સ્વીકારવામાં આવશે. આથી તા.૧૭ અને તા.૧૮મીએ વડોદરા જિલ્લાના ૩ ગામો ખાતે યોજાનાર આ સેવાસેતુ કાર્યક્રમનો સંબંધિત તમામ ગામોના વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા નિવાસી અધિક કલેકટરશ્રી પટેલે અનુરોધ કર્યો છે.