સુગમ સંગીતના સર્વોચ્ચ શિખર સમા ‘સુરોત્તમ’ પુરુષોત્તમ ઉપાધ્યાયની વિદાયથી એક યુગનો અંત આવ્યો છે : રાજ્યપાલ
ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન ધરાવતા સુપ્રસિદ્ધ ગાયક – સંગીતકાર પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે,
તેમણે તેમના સુરમય સંગીત અને અમૂલ્ય યોગદાન દ્વારા ગુજરાતી સુગમ સંગીતને સમૃદ્ધ બનાવ્યું છે. તેમનાં સ્વર અને સુર અસંખ્ય શ્રોતાઓના હૃદયને સ્પર્શ્યાં છે. તેમની વિદાય સાથે ગુજરાતી સુગમ સંગીતના એક યુગનો અંત આવ્યો છે.
તેમનું નિધન ગુજરાતી સંગીતજગત માટે એક અપૂરણીય ક્ષતિ છે. તેમના સુરોની મીઠાસ અને સર્જનાત્મકતા સદાય આપણી સ્મૃતિમાં જીવંત રહેશે.
પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજીને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે,મારી સંવેદનાઓ તેમના પરિવારજનો, પ્રશંસકો અને શુભચિંતકો સાથે છે.
ભગવાનને પ્રાર્થના છે કે, દિવંગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને શોકાકુલ પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
તેમણે 30 ફિલ્મો અને 30થી વધુ નાટકોમાં સંગીત આપ્યું છે. તેમણે કરેલા ગુજરાતી ગીતોના સ્વરાંકન ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં રણઝણે છે.
બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર જેવા આલા દરજ્જાના ગાયકો પાસે તેમણે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.