લુણાવાડામાં MGVCL દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલી યોજાઇ
ગોધરા, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ઊર્જા બચતની જનજાગૃતિ કેળવવા અને ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે
ત્યારે લુણાવાડા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરશ્રી આરીફ ઘાંચીના માર્ગદર્શનમાં ઊર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત એમજીવીસીએલ દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુણાવાડા ઇન્દિરા મેદાનથી શહેરા દરવાજા સુધી સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
આ પ્રસંગે કાર્યપાલક ઈજનેરશ્રી આરીફ ઘાંચીએ વીજ બચતનો સંદેશ આપતા જણાવ્યુ હતું કે, ઉર્જાનું સંરક્ષણ અને બચત કરીએ એવા શુભ હેતુથી એમજીવીસીએલ અને સમગ્ર ગુજરાતમાં આ સપ્તાહ ઉર્જા સંરક્ષણ સપ્તાહ તરીકે ઉજવાઇ રહ્યું છે ત્યારે દરેક વીજ ગ્રાહક પોતાના ઘરે, દુકાને અને જ્યાં પણ કામ કરે છે તે જગ્યાએ વીજળીની બચત કરે વીજળીનો ખોટો વ્યય અટકાવે માત્ર એટલું જ કામ કરીએ તો વીજ સંરક્ષણમાં મહત્વનુ કાર્ય થશે.
કારણ કે વીજ ઉત્પાદન એ વધારે પડતાં પરંપરાગત સ્ત્રોતો કોલસો, ડીઝલ વગેરેથી થાય છે અને આપણે સૌ વીજ બચત કરશું તો આ સંશાધનો જે ભવિષ્યમાં ખૂટી જવાના છે તેમાં આપણને મદદરૂપ થશે માટે આ પરંપરાગત સ્ત્રોતોને બચાવવા માટે આપણે વીજળીની બચત કરીએ, બિનજરૂરી વીજળીનો વ્યય અટકાવીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વીજળીના વધારે પડતા વ્યયના કારણે આપણે વધારે મોંઘી વીજળી ખરીદવી પડે છે અને જેનાથી આપણા દેશને નુકસાન થાય છે.
વીજ સંરક્ષણ માટે માત્ર એવું નથી કે બિનજરૂરી વીજ વપરાશ બંધ કરીએ સાથો સાથ જૂના વીજ ઉપકરણો જે ખરાબ થયેલા છે તેને પણ બદલીએ જેથી વીજ બિલમાં પણ ફાયદો થાય. આ અવસરે સૌને અપીલ છે કે વીજળી બચાવી બિન જરૂરી વીજળીનો વ્યય અટકાવી વાતાવરણને અને દેશના વિકાસમાં સહભાગી બનીએ.