Western Times News

Gujarati News

મહિસાગર નદીમાં વડોદરા ખાણ ખનીજ વિભાગના આશિર્વાદથી મોટા પાયે ગેરકાયદેસર રેતીનું ખનન

પ્રતિકાત્મક

ગેરકાયદેસર રેતી ખનન માફિયા પર ફ્લાઇગ સ્કોઉડના દરોડા

વડોદરા, વડોદરામાં રેતી માફિયા બેફામ બન્યા હોવાનું લાગી રહ્યું છે. સાવલી તાલુકાના પોઇચા -કનોડા પાસેથી પસાર થતી મહી નદીના પટમાં ધમધમતા ગેરકાયદેસર રેતી ખનન સામે વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને પગલે ફ્લાઇંગ સ્કવોર્ડે દરોડો પાડી રૂપિયા ૭૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સાવલી પોલીસને સાથે રાખી ફ્લાઇગ સ્ક્વોર્ડે દરોડો પાડતાં રેતી ઉલેચી રહેલાઓએ દોડધામ કરી મૂકી હતી. , ઉલ્લેખનીય છે કે, જિલ્લા સંકલનની બેઠકમાં સાસંદ અને ધારાસભ્યો દ્વારા અનેક વખત રેતી ખનન સામે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

પરંતુ, આ રજૂઆતો માત્ર કાગળ પુરતી સિમીત રહેતી હોય છે. ખાણ ખનીજ વિભાગના આશીર્વાદને કારણે ખનન માફિયા રાત દિવસ રાષ્ટ્રીય સંપત્તિની લૂંટ ચલાવી રહ્યા છે.મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના પોઇચા-કનોડા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં વડોદરા ખાણ ખનીજ વિભાગના આશિર્વાદથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન માહિતી ચાલતું હતું.

જોકે, આ રેતી ખનન અંગે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને સાવલી પોલીસ પણ અજાણ ન હતી. આમ છતાં, કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. દરમિયાન આ અંગેની માહિતી ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોર્ડને મળતાં સાંજે સાવલી પોલીસને સાથે રાખી દરોડા પાડયા હતા.
આ દરોડા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ સપુર્તેની આગેવાનીમાં પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન બે ટ્રેક્ટર, એક હિટાચી મશીન, એક જેસીબી, એક રેતી ભરેલું ડમ્પર

અને ત્રણ નાવડીઓ, રેતી ભરેલા ડમ્પરો મળી કુલ્લે રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે, ફ્લાઇગ સ્ક્વોર્ડે દરોડો પાડતાં જ રેતી ઉલેચી રહેલા મજૂરો અને વાહનોના ચાલકો સ્થળ ઉપર વાહનો મૂકી ફરાર થઇ ગયા હતા. રેડ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સાવલી પોલીસ મથકનો બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ આ મામલે સાવલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર ખનનને પગલે નદીના પટમાં ઉંડા ખાડા પડી રહ્યા છે. પરિણામે બ્રિજના પાયાને નુકશાન થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ ખનન રોકવા માટે સાંસદ તથા ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં અવાર નવાર અવાજ પણ ઉઠાવવામાં આવે છે. પણ આ ખનીજ માફિયાઓની પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં વડોદરાનું ખાણ-ખનીજ વિભાગ ધરાર નિષ્ફળ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.