ઈન્કમ ટેક્ષ ઓફિસરના સ્વાંગમાં 1 કરોડની લૂંટ કેસના આરોપીની જામીન અરજી રદ
આરોપીની સક્રિય ભૂમિકા છે જામીન પર મુક્ત કરી શકાય નહીં નોંધનીય છે કે, પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંદૂક નકલી હતી
અમદાવાદ , સુરતના કતારગામ વિસ્તારમાં ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે ખોટી ઓળખ આપી બંદૂક બતાવી ૧ કરોડ લૂંટી લેવાના કેસમાં આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, આરોપીની સક્રિય ભૂમિકા છે જામીન પર મુક્ત કરી શકાય નહીં. નોંધનીય છે કે, પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંદૂક નકલી હતી,
ફરિયાદીની કંપનીનો કર્મચારી જ મુખ્ય કાવતરાખોર હતો.સુરતમાં હીરાની કામગીરી અંગેના મશીનો બનાવતી કંપની વતી કતારગામ પોલીસ પથકમાં એક ફરિયાદ દાખલ થઇ હતી. આ મુજબ કંપનીની એક શાખામાંથી ૧ કરોડ રૂપિયા લઈને કંપનીના કર્મચારીઓએ બીજી શાખાના સેફ ઝોનમાં મૂકવા જવાનું હતું ત્યારે રસ્તા વચ્ચે એક અજાણ્યા વ્યક્તિએ કર્મચારીઓની ગાડી રોકીને પોતાની ઇન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખ આપી હતી. ત્યારબાદ તે વ્યક્તિ ગાડીમાં બેસી ગયો હતો અને કર્મચારીઓને બંદૂક બતાવી નીચે ઉતારીને પૈસા, ગાડી તેમજ કર્મચારીઓના મોબાઈલ લાઈને ફરાર થઈ ગયો હતો.
પોલીસે તપાસ હાથ ધરીને ૩૮ વર્ષીય આરોપી રોહિત ઠુમ્મરને એક મહિનામાં ઝડપી પાડ્યો હતો. તપાસમાં જણાયું હતું કે ફરિયાદી કંપની માટે નાંણાનો વહીવટ કરનાર કર્મચારી નરેન્દ્ર દુધાત જ આ ઘટનામાં મુખ્ય આરોપી છે. જેને કંપનીમાંથી ૮ કરોડની ઉચાપત કરી હતી. પોતાના કુટુંબીઓના નામે ડીમેટ એકાઉન્ટ ખોલાવીને શેરબજારમાં રોકાણ કર્યું હતું.
પોલીસ તપાસમાં જણાયું હતું કે આરોપી રોહિત ઠુમ્મરે જે બંદૂક લૂંટમાં વાપરી હતી તે નકલી હતી. તેમજ જે ૧ કરોડની લૂંટની વાત છે, તેમાં રૂપિયા હતા જ નહીં પણ કાગળિયા હતા. આમ આખો પ્લાન કંપનીના કર્મચારી નરેન્દ્ર દુધાતે બનાવ્યો હતો.
આરોપી રોહિત ઠુમ્મરે કરેલી જામીન અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે તે માર્ચ મહિનાથી જેલમાં છે. આ કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. મુખ્ય માસ્ટર માઈન્ડ કંપનીનો કર્મચારી નરેન્દ્ર દુધાત છે. અન્ય એક આરોપીને હાઇકોર્ટે જામીન આપ્યા છે. અરજદારે રમકડાની બંદૂક બતાવી હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીએ આ કાવતરામાં સક્રિય ભાગ ભજવ્યો છે. મૂળ ફરિયાદીએ તેને ઓળખી પણ બતાવ્યો છે. કોર્ટે આરોપીના જામીન નકારતા નોધ્યું હતું કે અરજદાર સામે પ્રથમદર્શી કેસ છે.