લગ્ન પ્રસંગોમાં કાન ફાડી નાંખે તેવા અવાજે ડી.જે. વગાડવાનો અર્થ ખરો ?
પ્રસંગ ઉજવવાની છૂટ ખરી પરંતુ નિયમોનું પાલન જરૂરી ઃ રહેણાંક વિસ્તારોમાં પણ બેફામ વાગતા ડી.જે.થી નાગરિકો પરેશાન
(પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં દેશભરમાં મોટાપાયા પર લગ્નો યોજાઈ રહયા છે. નવેમ્બર- ડીસેમ્બરમાં દેશમાં લગભગ ૪૮ લાખ લગ્ન થવાનો અંદાજ છે. મતલબ એ કે આટલા મોટા પ્રમાણમાં યુગલો પ્રભુતામાં પગલા પાડશે. લગ્નપ્રસંગ હોય એટલે બેન્ડવાજા- બારાતીઓનું આગમન થાય તે સ્વાભાવિક છે. લગ્ન પ્રસંગ મોટેભાગે ધામધુમથી ઉજવાતા હોય છે. તેમાં ખાસ કરીને આજકાલ ડીજેનુ ચલણ વધ્યું છે. કાન ફાડી નાંખે તે પ્રકારનો અવાજ ડી.જે.માંથી આવતો હોય છે.
રાત્રીના સમયે લગ્નના આગળના દિવસોમાં મ્યુઝિકલ નાઈટ રાખવામાં આવતી હોય છે. તેમાં પણ મ્યુઝિક સાથે જૂના-નવા ગીતો ગાયક દ્વારા ગાવામાં આવે છે. લગ્ન પ્રસંગ જીવનમાં એક વખત આવતો હોવાથી લોકો તેને ધામધૂમથી ઉજવીને માણતા હોય છે.
પ્રસંગ ઉજવવાનો સૌને અધિકાર છે પરંતુ ઘણી વખત પ્રસંગ ઉજવણીમાં અતિરેક થઈ જતો હોય છે. મોટા મોટા ટ્રકો-લોરીમાં મોટા અવાજવાળા ડી.જે એટલા ભયંકર રીતે વાગતા હોય છે કે તેનાથી હદયના ધબકારા વધી જાય છે નજીક ઉભા હોઈએ તો દૂર જતા રહેવું પડે છે.
ભારત સરકારે ‘નોઈઝ પોલ્યુશન રૂલ્સ’ બનાવ્યા છે સરળ ભાષામાં કહીએ તો ધ્વનિ પ્રદુષણ મોટી સમસ્યા બની રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એ ૬પ ડેસિબલથી વધારે અવાજને ધ્વનિ પ્રદુષણ ગણ્યુ છે. તો ૭પ ડી.બી થી વધારે અવાજ હાનિકારક જયારે ૧ર૦ ડી.બીથી અધિક અવાજને દર્દનાક ગણાવ્યો છે એવુ કેટલાક અહેવાલોમાં જોવા મળ્યું છે
રહેણાંક વિસ્તારમાં ૪પ ડી.બીથી વધારે અવાજ (રાત્રી માટે) ધ્વનિ પ્રદુષણમાં આવી શકે છે મતલબ એ કે આનાથી વધારે અવાજથી ડી.જે વગાડી શકાય નહિ તેમ તજજ્ઞોનું માનવું છે. બોલચાલની ભાષામાં સમજીએ તો બીજાની ઉંઘ ઉડે, દર્દી ડીસ્ટર્બ થાય કે વડીલો કે અન્ય કોઈ પ્રજાજન શાંતિથી સૂઈના શકે તો તે ધ્વનિ પ્રદુષણ ગણાય.
લગ્ન પ્રસંગ દરેક કુટુંબ માટે ખૂબજ મહત્વનો પ્રસંગ છે મોટાભાગના કુટુંબો તેમના જીવનની બચતનો ઘણો ખરો હિસ્સો મકાન લેવા માટે તથા લગ્ન પ્રસંગો માટે રાખે છે. ઉત્સવ- પ્રસીંગો જીવનમાં જરૂરી છે. તેના વિનાનું જીવન શુષ્ક છે પરંતુ કાયદા- કાનૂન અને નિતિ- નિયમોનું પાલન જરૂરી છે.
કાન ફાડી નાંખે તેવા અવાજમાં ડી.જે વગાડવાનો અર્થ શું ? થોડી ઘણી છૂટછાટ તો બધા આપે છે. પરંતુ આ છુટછાટનો દુરૂપયોગ થવો જોખમી છે. મોટા મોટા પાર્ટી- પ્લોટોમાં તો લેસર પ્રકારની લાઈટનો ઉપયોગ થાય છે જેનાથી આજુબાજુના રહીશો પરેશાન થતા હોય છે તો મોડે સુધી વાગતા મ્યુઝિકથી પરેશાની વધતી જાય છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી.