દુમાડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર સામે ઉચાપતની ફરિયાદ
દુમાડ પોસ્ટ ઓફિસના ઓડિટમાં ગોટાળાં ઝડપાયા
(એજન્સી) વડોદરા, પોસ્ટ વિભાગના દક્ષિણ ઉપ વિભાગના ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ દ્વારા લેખિતમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ફતેગંજ પોસ્ટ ઓફિસ દ્વારા વાર્ષિક ઓડિટના વિસ્તૃત અહેવાલમાં દુમાડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર વિક્રમસિંહ ગંભીરસિંહ વાઘેલાએ વર્ષ ૨૦૦૯ માં દશરથ ગામે રહેતી મહિલાનું એકાઉન્ટ ખોલાવ્યું હતું.
અલગ અલગ સમયે મહિલાના કુલ રૂ.૩૪ હજાર જમા કરાવ્યા હતા તેની અસલ નોંધ પાસબુકમાં કરી હતી. પરંતુ તે પૈસા પોસ્ટ વિભાગમાં જમા કરાવ્યા નહિ. તેવી જ રીતે દુમાડમાં રહેતા મહિલા ખાતા ધારકનું ખાતું વર્ષ ૨૦૧૨ માં ખોલવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ સમયે રૂ.૫૮ હજાર લેવામાં આવ્યા હતા.
જેની અસલ નોંધ પાસબુકમાં કરવામાં આવી હતી. પરંતુ તે પૈસા પોસ્ટમાં જમા કરાવવામાં આવ્યા ન હતા. ત્રીજા કિસ્સામાં દુમાડમાં રહેતા ખાતા ધારકનું ખાતું વર્ષ ૨૦૦૮ માં ખોલવામાં આવ્યું હતું. જેના રૂ.૬ હજાર સ્વિકારમાં આવ્યા હતા. અને એન્ટ્રી પાડવામાં આવી હતી. પરંતુ તે પૈસાને જમા કરાવવામાં આવ્યા નહિ.
વિક્રમસિંહ દ્વારા ત્રણ એકાન્ટ ધારકના મળીને કુલ રૂ.૯૮ હજારની ઉચાપત કરવામાં હતી. જે મામલે અરજીના આધારે મંજુસર પોલીસ મથકમાં વિક્રમસિંહ ગંભીરસિંહ વાઘેલા (રહે. દુમાડ, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.