Western Times News

Gujarati News

RBIમાં 48,000 કરોડ બ્લોક થયા છે તેમ કહી છેતરપિંડીનો કારસો કરનાર બે ઝડપાયા

પ્રતિકાત્મક

ખંભાળિયામાં ૪૮ હજાર કરોડના બહાને ઠગાઈ કરવાનો કારસો કરનાર બે શખ્સો ઝડપાયા-અલગ અલગ પ્રકારના 17 દસ્તાવેજ પોલીસે કબજે કર્યા

ખંભાળિયા, મૂળ ખંભાળિયા પંથકનો અને હાલમાં રાજકોટમાં રહેતા શખ્સે અન્ય એક શખ્સ સાથે મળી આરબીઆઈમાં રૂ.૪૮ હજાર કરોડ બ્લોક થયા હોય તે છોડાવવાના બહાને ઠગાઈ કરવાનો કારસો કરતાં હોવાની બાતમીના આધારે પોલીસે બન્ને શખ્સને ઝડપી લઈ જુદા જુદા ૧૬ પ્રકારના દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ખંભાળિયા તાબેના વચલા બારા ગામનો અને હાલમાં રાજકોટમાં રહેતા ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોઢા નામના શખ્સે સલાયા મરીન પોલીસ મથકમાં ચારિત્ર્ય અને કોઈ ગુનો નોંધાયો ન હોવાની બાબત પોલીસ વેરિફિકેશનના દાખલા ઉપયોગ ચોક્કસ કામ માટે કરવામાં આવ્યો હતો.

ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ નામના શખ્સ દ્વારા આરબીઆઈના ખોટા બનાવેલા દસ્તાવેજોથી તેના ખાતામાં રૂ.૪૮ હજાર કરોડની રકમ જમા થઈ હોય તે છોડાવવા માટે ટેકસ ભરનારને ૧પ ટકા ટકાવારી આપવાની લાલચ આપી અલગ અલગ વ્યક્તિઓ સાથે મીટિંગ યોજવામાં આવી હોવાની બાતમીના આધારે એસઓજીના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસે રાજકોટના ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોઢા અને કિરણકુમાર પ્રતાપરાય વ્યાસને ઝડપી લીધા હતા અને બન્ને શખ્સની પૂછતાછ કરતા સિંગાપુર ખાતે ડિપ્લોમા બી.ઈ.નો અભ્યાસ કર્યો હતો અને એક આર્ટીકલ બંગ્લોરની કંપનીને વેચાણ કર્યો હતો અને તેના રૂ.૪૮ હજાર કરોડની રકમ હાલ આરબીઆઈમાં જમા છે અને તેને છોડાવવા માટેથી ર૪૦૦ કરોડનો ટેકસ ભરવાનો થતો હોય તેવી પાર્ટીની મીટિંગ યોજવામાં આવી હતી.

પોલીસે બન્ને શખ્સ પાસેથી રિઝર્વ બેન્કનો ડિકલેરેશન લેટર, એચએસબીસીનો કસ્ટમર ક્રેડિટ પત્ર, એનઓસી સહિત અલગ અલગ ૧૭ પ્રકારના દસ્તાવેજો મળી આવતા કબજે કર્યા હતા અને આ દસ્તાવેજો બોગસ હોવાનું ખૂલ્યું હતું અને બેંગ્લોરના પ્રભુભાઈ નામના શખ્સ પાસે આ પ્રકારની બનાવટી ફાઈલ તૈયારી કરાવી હતી. પોલીસે બન્ને શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.