Western Times News

Gujarati News

દેશની શ્રેષ્ઠ પંચાયત પુરવાર થઇ પંચમહાલ જિલ્લાના આ ગામની પંચાયત

(એજન્સી) કાલોલ, ગુજરાત સામાન્ય રીતે તેના શહેરી વિકાસ માળખાના કારણે દેશભમાં જાણીતું છે. જો કે, ગુજરાતને મળેલા આ સન્માનથી એ સાબિત થઈ ગયું છે ગુજરાતમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પંચાયત સ્તરે પણ વહીવટી વ્યવસ્થા સુધરી રહી છે.

ગુજરાતના આદિવાસી જિલ્લા પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને મળેલો આ ઍવાર્ડ વર્ષ ૨૦૨૨-૨૩માં નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે.

ડૉ. ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશ્નરે આ વિશેષ સિદ્ધિ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘ગુજરાત ગ્રામીણ વિકાસ અને ગ્રામ પંચાયતોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકાર ગ્રામ પંચાયતોમાં વહીવટી પ્રક્રિયાઓમાં ઈ-ગવર્નન્સનું અનુપાલન વધારવા અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇઝ આૅફ લિવિંગને પ્રોત્સાહન આપવા જેવી બાબતોને પ્રાથમિકતા આપી રહી છે.

આ માટે રાજ્ય સરકાર, ખાસ કરીને ગ્રામ પંચાયતોમાં નાગરિક કેન્દ્રિત સેવાઓ પર વધુ ધ્યાન આપી રહી છે, જેના પરિણામે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી ૨ ગ્રામ પંચાયત આજે દેશની સૌથી ‘સુશાસન યુક્ત ગ્રામ પંચાયત’ બની ગઈ છે.

રાષ્ટ્રીય પંચાયત ઍવાર્ડ્‌સ ૨૦૨૪માં ૪૫ ઍવાર્ડ વિજેતા પંચાયતોને કુલ ૪૬ કરોડની ઇનામી રકમ ફાળવવામાં આવી હતી, જે સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમાંથી દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઍવાર્ડ ના ૨૭ વિજેતાઓ માટે સૌથી વધુ ?૨૦.૨૫ કરોડની રકમ નિર્ધારિત કરવામાં આવી હતી. ૨૭ વિજેતા પંચાયતોને સંયુક્ત રીતે પ્રાપ્ત થયેલી આ રકમમાંથી ગુજરાતનો હિસ્સો પણ ડિજિટલ માધ્યમથી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

પંચાયતોને ૯ વિષયક્ષેત્રમાં તેમની કામગીરીના આધારે રેન્કિંગ અને સન્માન પ્રાપ્ત થયા હતા. તેમાં ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા યુક્ત પંચાયત, સ્વસ્થ પંચાયત, બાળ મૈત્રીપૂર્ણ પંચાયત, જળ પર્યાપ્ત પંચાયત, સ્વચ્છ તેમજ હરિત પંચાયત, આત્મનિર્ભર માળખાકીય સુવિધાઓ યુક્ત પંચાયત, સામાજિક રીતે ન્યાય સંગત અને સામાજિક રીતે સુરક્ષિત પંચાયત, સુશાસન યુક્ત પંચાયત અને મહિલા-મૈત્રીપૂર્ણ પંચાયત, આ ૯ વિષયનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.