પત્નીના માનસીક ત્રાસથી ડોક્ટરે કર્યો આપઘાતઃ સ્યુસાઇડ નોટમાં પત્નિનું નામ લખ્યું

Files Photo
(એજન્સી) જયપુર, રાજસ્થાનના જોધપુરમાં ૩૫ વર્ષીય ડોક્ટર અજય કુમારે ૧૧ ડિસેમ્બરે આપઘાત કર્યો હતો. પોલીસને ઘટના સ્થળે મળેલી સ્યુસાઇડ નોટમાં અજયે પોતાની પત્ની સુમન ગર ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઘટનાએ તાજેતરમાં બેંગલુરૂમાં આપઘાત કરનારા અતુલ સુભાષની યાદ અપાવી દીધી, જેમાં ઘરેલું વિવાદ અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સવાલો ઉભા થયા હતા.
ડોક્ટર અજય કુમારે જોધપુરના કીર્તિ નગરમાં પોતાના ક્લીનિક પર ફાંસો ખાધો હતો. જ્યારે મિત્રો અને પરિવારજનોના ફોન કોલ્સનો જવાબ ન મળ્યો તો તેમના એક સહયોગીએ ક્લીનિક પહોંચી તપાસ કરી હતી. જ્યાં તેઓ બેભાન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી મળેલી સ્યુસાઈડ નોટમાં ડોક્ટર અજયે તેની પત્ની સુમન પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો.
નોંધમાં તેણે પોતાનો સંઘર્ષ અને નિરાશા વ્યક્ત કરી હતી. પોલીસે જણાવ્યું કે અજય કુમાર છેલ્લા ત્રણ વર્ષથી એક આયુર્વેદિક યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતો હતો અને છેલ્લા કેટલાક સમયથી જોધપુરમાં રહેતો હતો.
ડોક્ટર અજય અને સુમનના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા અને તેમને ચાર વર્ષનો એક પુત્ર ચે, જે હાલમાં સુમનની સાથે જયપુરમાં રહે છે. પરિવારનો આરોપ છે કે સુમને લાંબા સમયથી અજય કુમારને માનસિક રૂપથી પરેશાન કર્યાં, જેના કારણે તે તણાવમાં હતા. આ ઘટના તાજેતરમાં બેંગલુરૂના સોફ્ટવેર એન્જીનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ સાથે મળતો આવે છે,
જેમાં તેમણે પોતાની પત્ની પર છૂટાછેડા અને કસ્ટડી વિવાદ દરમિયાન હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ડોક્ટર અજયનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મહાત્મા ગાંધી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પોલીસ સ્યુસાઇડ નોટ અને પારિવારિક વિવાદની તપાસ કરી રહી છે. હાલ તો તમામ સંભવિત અેંગલ્સને ધ્યાનમાં રાખી કેસ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.