ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ રાજશ્રી કોઠારીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદ, અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ મોતકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે શનિવારે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સમયે દર્દીઓના મોત અને એન્જિયોગ્રાફી કરવાના કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડી હતી.
ત્યારે આજે રાજશ્રી કોઠારીને અમદાવાદની કોર્ટમાં રજૂ કરાઈ હતી. જેમાં કોર્ટે તેના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જણાવી દઈએ કે, આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે, જે વિદેશમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી રાજશ્રી કોઠારી હોસ્પિટલના ડિરેક્ટર અને ભાગીદાર છે.
અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારી સમગ્ર કાંડ સામે આવ્યા બાદથી ફરાર હતી. ત્યારે ૩૨ દિવસ બાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરાઈ હતી. આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે ૧૦ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે રાજશ્રી કોઠારીના ૧૦ દિવસ એટલે કે ૨૫ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મહત્ત્વનું છે કે, અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા. જેથી પોલીસે રાજશ્રી કોઠારીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન તેને પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ઝડપી લેવામાં આવી હતી.