મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આત્મવિશ્વાસ વધ્યો છે અને મિજાજ બદલાયો છે?
સંગઠન (એટલે કે પાટીલ) તેમની પર હાવી થઈ ગયું હતું એવી છાપ પણ ઊપસી હતી.
ગુજરાત રાજ્યનાં પ્રચારતંત્ર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છાપ મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી તરીકે ઉપસાવવામાં આવી છે.જો કે તેઓ મૃદુ વધુ અને મક્કમ ઓછા જણાતા હતા! સંગઠન (એટલે કે પાટીલ) તેમની પર હાવી થઈ ગયું હતું એવી છાપ પણ ઊપસી હતી. પરંતુ હવે ભૂપેન્દ્ર પટેલનો મિજાજ બદલાયો છે એવું લાગે છે.
હમણાં રાજકોટના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ઓડિયન્સમા બેઠેલા માજી સાંસદ મોહન કુંડારિયાને સ્ટેજ બેસાડવાનો આદેશ કર્યો એ ઘટના ઘણું કહી જાય છે.એ પહેલા પાટીદારોનાં કાર્યક્રમમાં નવી પેઢીને સારા સંસ્કાર મળે એવી ટકોર પણ કરેલી જે તેમનાં બદલાયેલા તેવરના દર્શન કરાવે છે.
એવું લાગે છે કે ભૂપેન્દ્ર પટેલ હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક માસમાં ત્રણ વખત મળી આવ્યા તેનું પણ આ પરિણામ હોય શકે. એવું ય બને કે મોદીએ મુખ્યમંત્રીને એવી શિખામણ આપી હોય કે તમને સત્તા આપી છે તો વાપરવાનું પણ રાખો.કારણ ગમે તે હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આત્મવિશ્વાસ વધ્યો છે એ નક્કી છે.
નિવૃત આઈ.એ.એસ.અધિકારીની દાદાગીરી અને અસહિષ્ણુતા
ગાંધીનગરમાં ચ -૦ને અડીને આવેલા નવા સેક્ટરમાં એક નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી પોતાને સરકાર તરફથી સાવ પાણીનાં મૂલે મળેલા ૩૩૦ ચોરસ મીટરના પ્લોટમાં રહે છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમની ખૂબ નિકટ રહેલા અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી સતત કેન્દ્રમાં ડેપ્યુટેશન પર રહી અનેક અતિ ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરી ચૂકેલા આ અધિકારી હવે ગાંધીનગરમાં રહે છે.
આ અધિકારીની દાદાગીરી અને અસહિષ્ણુતા એવી છે કે તેઓ પોતાના બંગલા પાસેની જમીન (જે તેમની માલિકીની નથી) પર કોઈ પાડોશીને કાર પાર્ક કરવા દેતાં નથી.અરે, કોઈને ત્યાં કોઈ મહેમાન આવે તો કામચલાઉ ધોરણે પણ પોતાના બંગલા પાસે કાર પાર્ક કરવા દેતાં નથી.સત્તા પર હોય ત્યારે બેફામ રીતે વર્તતા આઈ.એ.એસ.અધિકારીઓ સત્તા છોડ્યા પછી પણ ગુજરાતની નમ્ર, સંસ્કારી (અને બીકણ પણ) જનતા પર કેવી દાદાગીરી કરે છે તેનો આ ઉત્તમ નમૂનો છે!
બોલો લ્યો, ડોક્ટરોને પ્રોફેસર થવામાં રસ જ નથી!
તબીબી વ્યવસાયમાં ઘુસી ગયેલા દુષણોને કારણે આર્થિક રીતે જલ્દી સમૃદ્ધ થવાય તેવી જે વ્યવસ્થા ઉભી થતાં ડોક્ટરોને મહેનત કરીને સીધાસાદા વ્યવસાયમાં રસ જ નથી પડતો.તેનુ તાજું ઉદાહરણ એ છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મેડિકલ કોલેજના વર્ગ -૧ની પ્રાધ્યાપક અને સહ પ્રાધ્યાપકોની ૨૯ જગ્યાઓ માટે જાહેરાત આપીને ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.
પરંતુ તા.૧૦મી ડિસેમ્બરે મુદત પુરી થઈ ત્યાં સુધીમાં સમ ખાવા પૂરતી ય એક પણ અરજી જી.પી.એસ.સી.ને મળી નથી! સમાજના દરેક સ્તરના લોકોને સુંદર આરોગ્ય મળી રહે એ માટે સારા ( પણ બાંધ્યા) પગારે અને સેવા ભાવનાથી કામ કરવાની નવી પેઢીનાં ડોક્ટરોને કદાચ જરાય ઈચ્છા નથી એવું ઘટના પરથી ફલિત થતું હોય એવું લાગે છે. અલબત, જી.પી.એસ.સી.એ નિરાશ થયા વગર અરજીની મુદતમાં વધારો કરી દીધો છે હોં!
‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો’ની નીતિ અપનાવતી ગુજરાત સરકાર
ખરેખર કામ કરનાર કોઈ અધિકારી કે પદાધિકારી નહીં પણ રાજ્યના ગ્રામ વિકાસ કમિશનરની કચેરીના વિવાદાસ્પદ થયેલા અધિક વિકાસ કમિશનર ડો ગૌરવ દહિયા ગયા હતા.
તાજેતરમાં પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી -૨ ગ્રામ પંચાયતે દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ થીમ અંતર્ગત સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને મળેલો આ એવોર્ડ વર્ષ ૨૦૨૨-૨૩મા નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે.
આશ્ચર્ય થાય એવી વાત તો એ છે કે એક ગ્રામ પંચાયતને તેનાં લોકલ પરફોર્મન્સ માટે મળેલો એવોર્ડ લેવા એ વિસ્તારમાં ખરેખર કામ કરનાર કોઈ અધિકારી કે પદાધિકારી નહીં પણ રાજ્યના ગ્રામ વિકાસ કમિશનરની કચેરીના વિવાદાસ્પદ થયેલા અધિક વિકાસ કમિશનર ડો ગૌરવ દહિયા ગયા હતા.
આનો અર્થ એ થાય કે કામ કોક કરે અને યશ અન્યને મળે! આવું અન્યાયી કામ થાય ત્યારે પેલી કહેવત યાદ આવે કે ‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો.’આ એવોર્ડ સ્વીકારવામાં પણ એવું જ થયું હોય એવું લાગે છે હોં!
ગુજરાતનાં ધારાસભ્યો અને ટ્રાફિક નિયમનના નિયમોનો ભંગ
ગુજરાત રાજ્યના ભા.જ.પ.ના ધારાસભ્યો આમ તો ગરીબ ગાય જેવા છે. પક્ષની શિસ્તને કારણે અવાજ પણ ઉંચો નથી કરી શકતા.પરંતુ ધારાસભ્યોની આ શિસ્ત ગુજરાત સરકારનાં ટ્રાફિક નિયમનના નિયમોનો અમલ કરવામાં કશે દેખાતી નથી.
તેનો પુરાવો એ છે કે ગુજરાતના ૨૪ ધારાસભ્યો એવાં છે કે જેઓને તેમના વાહન દ્વારા થયેલ ટ્રાફિક નિયમનના ભંગ બદલ મેમો અપાયાં છે પણ તેઓએ ભર્યા નથી.૩૦ ધારાસભ્યો એવાં છે કે જેમનાં વાહનની પી.યુ.સી. ની વેલિડીટી પુરી થઈ ગઈ છે. ૩૧ ધારાસભ્યો અને એવા છે કે જેમનાં વાહનના ઈન્સ્યોરન્સની મુદત કાં તો પુરી થઈ ગઈ છે અથવા તો તેમની કારનો ઈન્સ્યોરન્સ કરવામાં જ નથી આવ્યો! આપણા પ્રતિનિધિઓની આ પણ એક તસ્વીર છે હોં! જોઈ લો!