છ દાયકા બાદ હીરા ઉદ્યોગે આટલી ભયંકર મંદી જોઇ
સુરત, સુરતના હીરા ઉદ્યોગે છ દાયકા બાદ આટલી ભયંકર મંદી જોઈ છે. પોલિશ્ડ ડાયમંડની નિકાસ ૪૦ ટકા ઘટી ગઈ છે. જ્વેલરીની નિકાસ પણ સતત ઘટી રહી છે.
છેલ્લા ૫૮ વર્ષમાં ક્રિસમસ ઉપર પણ આટલો ઓછો વેપાર જોવા મળ્યો છે. ૧૯૬૬ પછી પહેલી વખત આ ક્ષેત્રમાં આવી વિકરાળ મંદી જોવા મળી છે, જ્યાં ક્રિસમસના પર્વ પર પણ બજાર નબળું રહ્યું છે. આ આખી સ્થિતિમાં સૌથી વધારે કપરી સ્થિતિ રત્નકલાકારોની થઈ હોવાનો હીરા ઉદ્યોગકારોએ એકરાર કર્યાે છે.
રત્નકલાકારોની આવક લગભગ અડધી થઈ ગઈ છે. ત્રણ વર્ષ પહેલાં જે કટિંગ અને પોલિશ્ડ ડાયમંડની જે નિકાસ થતી હતી તે પણ સાવ ઘટી ગઈ છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આમ તો છેલ્લે વર્ષ ૨૦૦૮માં પણ હીરા ઉદ્યોગે મંદીનો માર વેઠ્યો હતો.
જોકે, આવી ભયંકર મંદી છેલ્લે વર્ષ ૧૯૬૬માં જોવા મળી હતી. ૧૯૬૬ પછી આવી તીવ્ર મંદી છેલ્લાં ત્રણ વર્ષથી જોવા મળી રહી છે. આની પાછળ મુખ્ય વૈશ્વિક પરિબળો પણ કારણભૂત છે.
યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે, રશિયા ઉપર લાદવામાં આવેલા જી૭ દ્વારા પ્રતિબંધો અને અમેરિકાની અંદર મંદીનો માહોલ તેમજ ફુગાવાનો ઊંચો દર મુખ્ય કારણો તો છે જ. ઉપરથી ચીનમાં પણ કોરોના પછી જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેના કારણે હજી ત્યાંનું માર્કેટ પહેલાં જેવું ખુલ્યુ નથી.
વૈશ્વિકસ્તરે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ હોય કે ડાયમંડ જ્વેલરી હોય, તેની ૭૦થી ૭૫ ટકા ખપત અમેરિકામાં થાય છે. અમેરિકામાં પણ કોરોના પછી ફુગાવાનો દર ખૂબ ઊંચો રહ્યો છે. હજી ત્યાં ડિમાન્ડ નથી નીકળતી. આની સીધી અસર ભારતના અને ખાસ કરીને ગુજરાતના ડાયમંડ કટિંગ પોલિશિંગ ઇન્ડસ્ટ્રી ઉપર પડી છે.
તેમણે એકરાર કર્યાે હતો કે, મંદીના કારણે રત્નકલાકારોને સીવીડી ડાયમંડ અને એચડીએફસીમાં કામ તો મળે છે, પરંતુ તેમની માસિક કમાણી ઓછી થઈ છે. ઉદાહરણ તરીકે કોઈ રત્નકલાકાર ૩૫,૦૦૦ કમાતો હતો તો હાલમાં તેની આવક ઘટીને માત્ર ૧૫થી ૨૦ હજાર થઈ છે. તેનું તો બજેટ જ સાવ ખોરવાઈ ગયું છે. તેમના માટે બાળકોના શિક્ષણ, મકાન ભાડું, લાઈટ બિલ, આરોગ્યની નાનીમોટી તકલીફ હોય તો તેને પહોંચી વળવું મુશ્કેલ બન્યું છે.
તેમણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ આ અંગે કહે છે કે, આ પ્રકારની સ્થિતી પાછળ મુખ્ય ત્રણ કારણ લાગે છે. પહેલું યુરોપ અને અમેરિકા જેવાં મોટાં બજારોમાં મોંઘવારી અને મંદીનું પ્રતિબિંબ ડિમાન્ડ પર પડ્યું છે.
બીજું ચીન અન્ય બજારો સામેની સ્પર્ધામાં અન્ય દેશોમાં ડાયમંડ પ્રોસેસિંગ માટે સસ્તી મજૂરી અને સુધારેલા મશીનરી ઉપકરણો ઊભાં થયાં છે અને ત્રીજું મટીરિયલની વધતી કિંમત અને કાર્યક્ષમતા માટે મશીનરી પર વધારે ભારણ ઉદ્યોગના મૂડીખર્ચમાં વધારો જેવા સ્થાનિક પરિબળો પણ તેમાં ઉમેરાયા છે.SS1MS