કોલ્ડવેવની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાત્રો થિજાવી દેતી ઠંડી
કચ્છમાં કાતિલ કોલ્ડવેવની આગાહી નલિયામાં ૭.૮ ડિગ્રી ઠંડી
(એજન્સી)અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કાતિલ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે અને સવારે ઠંડાગાર પવનોના ચમકારા સાથે નલિયામાં ૭.૮ ડિગ્રી ઠંડી નોંધાતા નલિયાવાસીઓ રીતસર ઠૂંઠવાઈ રહ્યા હતા. ગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ઠંડીમાં જોરદાર વધારો થયો છે.
કોલ્ડવેવની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાત્રો થિજાવી દેતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે ગુજરાતનાં તાપમાનમાં આગામી એક બે દિવસ કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ આજે કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગે કચ્છ માટે કોલ્ડવેવનું યલો એલર્ટ પણ જારી કર્યું છે.
ગુજરાતમાં હવે ઠંડીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે અને આજે સવારે નલિયામાં ૭.૮ ડિગ્રી ઠંડી સાથે કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે. કાતિલ ઠંડી સાથે બરફીલા પવનો પણ ફૂંકાતા લોકો વહેલી સવારે અને રાતે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં બજારો પણ સવારે ૧૦.૦૦ વાગ્યા બાદ ખૂલી રહ્યાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ૧૦થી ૧૨ ડિગ્રી સેÂલ્સયસ પર પહોંચી જતાં લોકો ધ્રૂજી ઊઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું અને ત્યાં ૬ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલા વેધર રિપોર્ટ અનુસાર ડીસામાં ૯.૯ ડિગ્રી, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં ૧૧ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અમરેલીમાં ૯.૬ ડિગ્રી, વડોદરામાં ૧૨ ડિગ્રી, ભાવનગરમાં ૧૨.૨ ડિગ્રી, ભૂજમાં ૧૧.૬ ડિગ્રી, દ્વારકામાં ૧૬.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧ ડિગ્રી, કંડલામાં ૧૪ ડિગ્રી, ઓખામાં ૨૦.૪ ડિગ્રી, પોરબંદરમાં ૧૨ ડિગ્રી, સુરતમાં ૧૫.૨ ડિગ્રી અને વેરાવળમાં ૧૮.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં ૧૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં દિવસનું તાપમાન થોડું ઊંચકાયું હતું અને ૨૮.૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સ્થાનિક હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ આખું સપ્તાહ શહેરમાં ૧૪થી ૧૫ ડિગ્રી ઠંડી પડવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન ૨૮થી ૨૯ ડિગ્રી વચ્ચે રહેશે.
ગુજરાતીઓનાં પ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે અને તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે. રવિવારે માઉન્ટ આબુમાં માઈનસ ત્રણ ડિગ્રી ઠંડીથી કાશમીર જેવો માહોલ જોવા મળ્યો હતો. આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં તો ઘાસની ઉપર પણ બરફની ચાદર છવાઈ ગયેલી જોવા મળી હતી. પ્રવાસીઓએ પાર્ક કરેલી કાર ઉપર પણ બરફની ચાદર જોવા મળતાં સહેલાણીઓએ મોજ માણી હતી.