સગીરા માતા અને ગુરૂને મૂર્ખ બનાવીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ
અમદાવાદ, પ્રેમ આંધળો હોય છે તેને પૂરવાર કરતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરાએ પ્રેમી સાથે ભાગી જવા માટે જૂઠાણાનો ખેલ ખેલ્યો છે. માતાને કહ્યું કે, તે ટયુશન કલાસીસમાં જાય છે અને ટયુશન કલાસીસના સંચાલકને કહ્યું કે લગ્ન પ્રસંગ હોવાથી ત્રણ દિવસની રજા ઉપર છે.
માતા પિતા તેમજ ગુરૂને અંધારામાં રાખી સગીરા તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. સમગ્ર ભાંડો ત્યારે ફૂટયો કે જ્યારે સાંજે સગીરા કલાસીસથી ઘરે આવી નહીં અને માતાએ કલાસીસના સંચાલકને ફોન કર્યો.
ઠક્કરનગર વિસ્તારમાં રહેતી મીનાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણની ફરિયાદ કરી છે. મીનાના લગ્ન ભરૂચ ખાતે રહેતા કિશોર સાથે થયા છે. કિશોર અને મીનાને બે દીકરી અને એક દીકરો છે.
મીના છેલ્લા ત્રણ વર્ષથી પિયરમાં ૧૭ વર્ષની દીકરી સીમા અને ૧૧ વર્ષના દીકરા રાજ સાથે રહે છે જ્યારે કિશોર અને ૧પ વર્ષની દીકરી હેતલ ભરૂચ ખાતે રહે છે. મીનાના પિતાની તબિયત ખરાબ હોવાના કારણે તે બાળકો સાથે અમદાવાદમાં રહે છે.
મીનાની માતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. સીમા અને રાજ ઠક્કરનગર ખાતે આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. સીમા ધો.૧ર કોમર્સમાં બે વિષયમાં નાપાસ થઈ હતી જેથી તે ટયુશન માટે ઠક્કરનગર ખાતે આવેલા એક કલાસીસમાં અભ્યાસ કરવા માટે જતી હતી. ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી સીમા ટયુશન કલાસીસમાં પાર્ટ ટાઈમ નોકરી પણ કરતી હતી.
શનિવારે મીના પોતાના કામ ઉપર ગઈ હતી જ્યારે ઘરમાં સીમા અને રાજ હાજર હતા. રાજ સવારે ૧૧ વાગે રિક્ષામાં બેસીને સ્કૂલે ગયો હતો જ્યારે સીમા ઘરે એકલી હતી. બપોરે ૧ર વાગે સીમાએ તેની માતા મીનાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, મમ્મી જમવાનું બની ગયું છે તે કેટલા વાગે આવીશ. સીમાની વાત સાંભળતા મીનાએ જવાબ આપ્યો કે મારે કામ બાકી છે એટલે આવવામાં મોડું થશે તું જમીને કલાસીસમાં જતી રહેશે.
મીનાએ ફોન કાપી નાંખ્યા બાદ બપોરે અઢી વાગ્યાની આસપાસ તે ઘરે પહોંચી હતી. મીના ઘરનું તાળું ખોલીને અંદર ગઈ હતી. જ્યાં તેણે આખો દિવસ આરામ કર્યો હતો. સાંજે સીમાના ઘરે આવવાના સમય પર મીનાએ તેને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.
મીનાને ચિંતા થઈ ગઈ હતી. જેથી તેણે તરત જ ટયુશન કલાસીસના સંચાલનને ફોન કર્યો હતો અને કહેવા લાગી હતી. સીમા હજુ સુધી ઘરે આવી નથી અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે.
મીનાની વાત સાંભળીને સંચાલકે જણાવ્યું હતું કે, સીમા બપોરથી આવી નથી અને તેણે શુક્રવારે કહ્યું હતું કે, લગ્ન પ્રસંગ હોવાથી તે ત્રણ દિવસ સુધી નહીં આવે. સીમાએ સંચાલક પાસેથી ત્રણ દિવસની રજા લીધી હતી.
મીનાએ તરત જ તેના પતિ કિશોરને જાણ કરી દીધી હતી અને શોધખોળ શરૂ કરી હતી. કિશોર અમદાવાદ પહોંચી ગયો હતો અને સીમાને શોધવા માટે પરિવારજનો તેમજ સગા-સંબંધીઓને ફોન કર્યા હતા આ સિવાય એસટી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓ ઉપર પણ તપાસ કરી હતી. સીમા ન મળતાં અંતે તેમણે પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધીને પાસ શરૂ કરી છે. સીમા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.