દરેક કાયદા સાથે બંધારણની ધારણા જોડાયેલી છે: સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના અશાંત ધારાની કેટલીક જોગવાઇને રદ કરવાની માંગ ફગાવી દીધી છે. જણાવ્યું છે કે, દરેક કાયદા સાથે બંધારણીય ધારણા જોડાયેલી હોય છે. જજ દીપાંકર દત્તા અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે આવી ટિપ્પણી કરવા સાથે ગુજરાત હાઇકોર્ટના આદેશ સામે કરાયેલી પિટીશનને ફગાવી દીધી હતી.
અરજીમાં ગુજરાત સરકારના અશાંત વિસ્તારોની સંપત્તિઓ અંગે ૧૯૯૧ના કાયદાની કેટલીક જોગવાઇને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતી વખતે પ્રશ્ન કર્યાે હતો કે, “વચગાળાના આદેશ દ્વારા કાનૂની જોગવાઇઓને કેવી રીતે રદ કરી શકાય? દરેક કાયદા સાથે બંધારણની ધારણા જોડાયેલી હોય છે.”
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સંપત્તિ કાનૂન, ૧૯૯૧ના સ્થાવર મિલકતના વેચાણને અટકાવવા તેમજ અશાંત વિસ્તારોમાં ભાડુઆતોને બેઘર થતા બચાવવાની જોગવાઇને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.અશાંત ધારો ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાવર મિલકતના વેચાણ પર પ્રતિબંધ મૂકે છે. જોકે, ૨૮ ઓક્ટોબરે ગુજરાત હાઇકોર્ટે અરજીને ફગાવી દીધી હતી. જેને સુપ્રીમમાં પડકારાઈ હતી.
જોકે, સુપ્રીમે જણાવ્યું હતું કે, “અમે હાઇકોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવા ઇચ્છુક નથી અને અરજીને રદ કરીએ છીએ.” સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “હાઇકોર્ટમાં મુખ્ય પિટીશન છેલ્લા ત્રણ વર્ષથી પેન્ડિંગ છે અને અરજદારો હાઇકોર્ટના ચીફ જસ્ટિસને અરજીની વહેલી સુનાવણી માટે વિનંતી કરી શકે છે.”SS1MS