Western Times News

Gujarati News

ખાનગી ટ્રાવેલ્સ બસ રોડ પર ઉભેલા ડમ્પરમાં ઘૂસીઃ 6 ના મોત

ભાવનગર હાઈવે પર લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: છનાં કરૂણ મોત

અમદાવાદ, ગુજરાતના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો તેવું લાગી રહ્યું છે. રોડ અકસ્માતના કારણે દર એકાદ-બે દિવસે હાઈવે રકતરંજિત થાય છે. અકસ્માત થવા પાછળ એકાદ-બે નહીં પરંતુ સંખ્યાબંધ કારણો રહેલા છે.

વહેલી પરોઢે ભાવનગર નજીક ડમ્પર અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના કમકમાટીભર્યાં મોત થયા છે જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પૂરઝડપે આવી રહેલી બસ ડમ્પરમાં ઘૂસી જતાં તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ બચાવ ટીમ તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના દૃશ્યો જોતા લાગી રહ્યું છે કે, લકઝરી બસની સ્પીડ કેટલી વધારે હશે.

વહેલી પરોઢે ભાવનગર નજીકના ત્રાપજ હાઈવે પર રોડની સાઈડમાં ઊભેલા ડમ્પરની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જ્યારે ર૦ કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર નજીક ત્રાપજ પાસેના હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઈવરે તેને રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું. આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પર પાછળ ધડાકાભેર અથડાતા છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ર૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ ગોઝારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત ૧૦૮ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસતંત્ર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તરત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસના એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

પ્રાથમિક તપાસ દરમિયાન લકઝરી બસના ડ્રાઈવરને ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો છે. હાલ પોલીસ ટીમે છ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જ્યારે પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.