Western Times News

Gujarati News

અનામત વર્ગના ઉમેદવારોએ ભરતી ફોર્મ સાથે 400ની ડિપોઝીટ જમા કરાવવી પડશે

સંમતિ પત્ર અને ભરતીઓમાં ફોર્મ ભરતી વખતે જમા કરાવવી પડશે ડિપોઝીટ

(એજન્સી)ગાંધીનગર, જીપીએસસીએ પરીક્ષાને લઇ મોટો નિર્ણય લીધો છે. જે મુજબ પ્રાથમિક કસોટીના સંમતિ પત્ર અને કેટલીક ભરતીઓમાં ફોર્મ ભરતી વખતે ડિપોઝિટ જમા કરાવવી પડશે. બિન અનામત વર્ગના ઉમેદવારોએ ૫૦૦ તો અનામત વર્ગના તમામ ઉમેદવારોએ ૪૦૦ની ડિપોઝીટ જમા કરાવવી પડશે.

પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોને ડિપોઝિટ પરત કરવામાં આવશે. ફોર્મ ભર્યા બાદ કેટલાંક ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી જીપીએસસીએ આ નિર્ણય લીધો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્ધારા લેવાતી વિવિધ પ્રાથમિક પરીક્ષાઓમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોની સંખ્યા ક્યારેક ખૂબ જ ઓછી હોય છે.

ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો માટે પ્રશ્નપત્રો છપાવવા, તમામ ઉમેદવારોની સંખ્યાના આધારે સેન્ટરો લેવા, તમામ સેન્ટર પર જરૂરી સ્ટાફની નિમણૂક કરવી વગેરે માટે થતો ખર્ચ તથા આ માટે માનવબળનો વ્યય ધ્યાને લેતા આયોગમાં થયેલ વિચારણાને અંતે હવે પછી જાહેર થનાર પ્રાથમિક પરીક્ષાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાને આધિન આયોગ દ્ધારા જરૂર જણાય ડિપોઝિટ તરીકે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બિનઅનામત વર્ગના ઉમેદવારોએ ૫૦૦ રૂપિયા ડિપોઝીટ ભરવા પડશે. અનામત વર્ગના ઉમેદવારોએ ૪૦૦ રૂપિયા ડિપોઝીટ ભરવી પડશે. જે ઉમેદવારો સંમતિપત્ર સાથે નિયત ફી ભર્યા બાદ પરીક્ષામાં હાજર રહેશે તેઓને આ ફી રિફંડ કરવામાં આવશે. આ ફી માત્ર ડિપોઝીટ તરીકે જ લેવાની રહે છે.

આયોગ દ્ધારા અપાતી તમામ જાહેરાતમાં તથા ન્યૂઝપેપર ફોર્મેટની જાહેરાતમાં પણ આયોગ દ્ધારા નિયત કરાયેલી કોઇ પણ જાહેરાતની પરીક્ષા માટે સંમતિપત્ર માટેની ફી ડીપોઝિટ તરીકે લઇ શકાશે તેવી જોગવાઇ રાખવા તમામ ભરતી કરતી શાખાઓએ તથા ઇ.ડી.પી.સેલએ કાળજી લેવાની રહેશે. નોંધનીય છે કે તાજેતરમાં જ રાજ્યમાં લાંબા સમયથી સરકારી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે.

મળતી જાણકારી અનુસાર, ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ ૨૦૨૫નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરશે. ગુજરાત જાહેર સેવા આયોગના ચેયરમેન હસમુખ પટેલે સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી આ માહિતી આપી હતી. હસમુખ પટેલે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે સરકારના અલગ- અલગ વિભાગો સાથે પરામર્શ ચાલી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.