આણંદના વૈભવી ફલેટમાંથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો
(પ્રતિનિધિ) આણંદ, આણંદ એસઓજી પોલીસે રાત્રિના સમયે આણંદના ભાલેજ ઓવરબ્રીજ પાસે અદનાન હાઈટસના ફલેટ નં.૪૦૧માં છાપો મારીને નડિયાદના એક શખ્સને ૮.૬૭૮ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડીને શખ્સ વિરૂધ્ધ એનડીપીએસ ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ આણંદ ટાઉન પોલીસને સોંપવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે એસઓજી પોલીસને માહિતી મળી હતી કે આણંદના ભાલેજ ઓવરબ્રીજ પાસે આવેલ અદનાન હાઈટસના ફલેટ નં.૪૦૧માં એક શખ્સ ગાંજાનો વેપાર કરી રહયો છે તે માહિતીના આધારે પી.આઈ જે.આર. પટેલ, પી.એસ.આઈ જે.બી.વાઘેલા, પ્રતિપાલસિંહ, હરદેવસિંહ, ભાવિકભાઈ, ભરતભાઈ, રઈજીભાઈ સહિત પોલીસની ટીમે છાપો મારતા ફલેટમાંથી રાજુભાઈ બચુભાઈ ખલીશ (રહે. મૂળ નડિયાદ)નો મળી આવ્યો હતો.
ઘરની તલાશી લેતા બેડરૂમમાં મુકેલી કાળા કલરની બેગમાં ૯ જેટલા પેકેટો મળી આવ્યા હતા. બેગ ખોલતા વનસ્પતિ જન્ય ગાંજો પદાર્થ મળી આવ્યો હતો. જેની એફએસએલને જાણ કરતા તેઓનાઓ કીટ સાથે પહોંચી જઈ પકડાયેલા પદાર્થનું પૃથ્થકરણ કરતા ગાંજો હોવાનું સાબિત થયું હતું.
ગાંજાનું કુલ વજન ૮.૬૭૮ ગ્રામ થયું હતું જેની કિંમત ૮૬૭૮૦ થાય છે શખ્સની અંગ ઝડતી કરતા રૂ.૩૦૦ રોકડ એક ફોન ઈલે. વજનકાંટો વગેરે મળી આવ્યા હતા કુલ મળીને આશરે રૂ.૯૩૦૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.