સુરતમાં ખાડા પાછળ 3 વર્ષમાં રીપેરીંગ ખર્ચ 250 કરોડઃ એક ખાડો બે લાખમાં પડ્યો
સુરત મહાનગરપાલિકાનું છેલ્લા ૩વર્ષમાં રસ્તા રિપેરીંગ પાછળ રપ૦ કરોડનું આંધણ- રિપેર કરાયેલા રસ્તાના ક્ષેત્રફળના આધારે પ્રજાને એક ખાડો સરેરાશ બે લાખમાં પડયો હોવાનો વિપક્ષનો ટોણોં
સુરત, સુરત મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં તૂટેલા રસ્તાને રિપેર કરવા માટે અઢીસો કરોડ જેટલી માતબર રકમ ખર્ચી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. રિપેર કરાયેલા રસ્તાના ક્ષેત્રફળને જોતા એક ખાડો સુરતવાસીઓને બે લાખ રૂપિયા જેટલો ખર્ચ કરાવી ગયો હોવાની વિપક્ષે ગણતરી દર્શાવી છે.
રસ્તાની બનાવટ પાછળ અબજો રૂપિયા ખર્ચ્યા પછી પણ તેના રિપેરીંગ માટે મસમોટી રકમ ખર્ચવાની નોબતને લીધે રસ્તાની બનાવટમાં લોલમલોલ ચાલતીહોવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો છે.
સુરત મહાનગરપાલિકા વિપક્ષ ઉપનેતા મહેશ અણઘણે આજરોજ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સુરત મહાપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ફકત રસ્તા રીપેરીંગ પાછળ ખર્ચવામાં આવે છે. પાલિકાએ આપેલા જવાબ મુજબ ગત ચોમાસામાં પ૩૩૧ ચો.મી. રસ્તાને રીપેરીંગ કરવામાં આવ્યા હતા
જેમાં લગભગ ૯૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં રોડ રસ્તાના રીપેરીંગ પાછળ સરેરાશ રપ૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. અઢીસો કરોડના ધૂમાડા પછી પણ સુરતના રોડ રસ્તાની હાલત જૈસે થે જેવી જ છે.
તેમણે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, પાછલા ત્રણ વર્ષ દરમિયાન પાલિકાએ વર્ગ-૩ અને ૪ તેમજ સુપરવિઝન સ્ટાફ વિના પગાર પાછળ અંદાજે ૧૬ર કરોડ જેટલો માતબર ખર્ચ કર્યો છે. વધુમાં રસ્તાની મરામત પાછળ જે મશીનરીઓ ઉપયોગમાં લેવાય છે
તેની પાછળ અંદાજે ૧૪.૭૬ કરોડ, રોડ રસ્તા મરામતમાં જે મટીરીયલ વપરાય છે તેની પાછળ અંદાજે ૪૬.૪૦ કરોડ તેમજ રોડ રસ્તા મરામત કરનારી વિવિધ એજન્સીઓને ર૬.૮૦ કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. કુલ મળીને પાછલા ત્રણ વર્ષના આ બધા આંકડા જોવા જઈએ તો રપ૦ કરોડ જેટલો કરાયો છે.
ગત વર્ષ દરમિયાન પાલિકાએ ૯૮ કરોડ જેટલો ખર્ચ રસ્તા રીપેરીંગ પાછળ કર્યો હતો. જેમાં પાલિકા દ્વારા પ૩૩૧ ચો.મી. રોડ રીપેરીંગ કરવામાં આવ્યા હતા. મતલબ કે એક ખાડો એક ચો.મી.નો ગણીએ તો ૧,૮૪,૦૦૦ રૂપિયાનો અંદાજિત ખર્ચ ફકતને ફકત એક ખાડા રીપેર કરવા પાછળ થયો છે.