બીજા ત્રિમાસિક ગાળામાં નીચી જીડીપી વૃદ્ધિ કામચલાઉ: સીતારામન
નવી દિલ્હી, નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે કે, બીજા ત્રિમાસિક ગાળામાં ૫.૪ ટકાની અંદાજ કરતાં નીચી જીડીપી વૃદ્ધિ કામચલાઉ છે. આગામી કેટલાક ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર સારી વૃદ્ધિ દર્શાવશે. તેમણે કહ્યું હતું કે, દેશની આર્થિક વૃદ્ધિ સ્થિર અને ટકાઉ રહી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ જીડીપી વૃદ્ધિદર ૮.૩ ટકા નોંધાયો છે. નાણામંત્રી સીતારામને જણાવ્યું હતું કે, “ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૪-૨૫)ના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ અનુક્રમે ૬.૭ ટકા અને ૫.૪ ટકા રહી છે.
બીજા ક્વાર્ટરમાં ૫.૪ ટકાની વૃદ્ધિ અંદાજ કરતાં ઓછી છે. ભારત અને અન્ય દેશો માટે બીજો ત્રિમાસિક ગાળો પડકારજનક રહ્યો છે.” જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “ભારત સૌથી વધુ ઝડપે વધતું અર્થતંત્ર છે. તેનો શ્રેય આકાંક્ષાઓ પૂરી કરવા સતત કાર્યરત રહેતા અને અર્થતંત્રમાં યોગદાન આપતા દેશના લોકોને જાય છે.”
નિર્મલા સીતારામને આશ્વાસન આપ્યું હતું કે, “મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વ્યાપક સ્લોડાઉન નથી. એકંદર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ૫૦ ટકા સેક્ટર્સની વૃદ્ધિ મજબૂત રહી છે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં સામેલ મેન્યુફેક્ચરિંગના ૨૩ ક્ષેત્રમાંથી લગભગ ૫૦ ટકાની વૃદ્ધિ ઘણી સારી રહી છે.
ઉપરાંત, જુલાઇથી ઓક્ટોબર ૨૦૨૪માં કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ ૬.૪ ટકાના દરે વધ્યો છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં મૂડી ખર્ચ માટે રૂ.૧૧.૧૧ લાખ કરોડની ફાળવણી કરી છે. જેનો લાભ સમગ્ર અર્થતંત્રને મળશે.”નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી)એ આર્થિક અપરાધીઓ સામેની લડતમાં મોટી સફળતા મેળવી છે.
તેણે ભાગેડુ વિજય માલ્યા અને નીરવ મોદીના લેણદારો અને બેન્કોને રૂ.૨૨,૨૮૦ કરોડની રકમ પરત કરી છે. નાણામંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે, “માલ્યાની રૂ.૧૪,૧૩૧.૬૦ કરોડની પ્રોપર્ટી સરકારી બેન્કોને સોંપવામાં આવી છે.
જ્યારે નીરવ મોદીની રૂ.૧,૦૫૨.૫૮ કરોડની મિલકતો પીએસયુ બેન્કોને અપાઈ છે. મેહુલ ચોક્સીની રૂ.૨,૫૬૫.૯૦ કરોડની પ્રોપર્ટી ટાંચમાં લેવાઇ છે. જેની આગામી સમયમાં હરાજી કરાશે.”SS1MS