સ્ટેચ્યુ ઓફ યુનિટીની રોમાંચક મુલાકાત હમેંશા યાદ રહેશે : કેરળ મહિલા પત્રકારો
ઓથોરિટીનાં CEOએ વિવિધ પ્રોજેક્ટ અંગે પત્રકારોને માહિતી આપી-આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, સર્કયુલર રૂટ, સરદાર સરોવર ડેમ વગેરેની જાણકારી મેળવી
Ahmedabad, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) તિરુવનંતપુરમ તા. 16 થી 23 ડિસેમ્બર, 2024 દરમિયાન કેરળનાં મહિલા પત્રકારો ગુજરાતનાં પ્રવાસે આવી પહોંચ્યા છે.
ગુજરાત પ્રવાસનાં પ્રથમ દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર પટેલનાં સ્ટેચ્યુની મુલાકાત ખૂબ રોમાંચક હોવાનું પત્રકારોએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સરદાર સરોવર ડેમ, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, સર્ક્યુલર રૂટની મુલાકાત અને તેના વિશે જાણકારી પણ મેળવી હતી.
સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA)ના CEO શ્રી ઉદિત અગ્રવાલે પત્રકાર મંડળની સાથે વાત કરી હતી. જેમાં તેમણે આ વિસ્તારનાં વિવિધ પ્રોજેક્ટ્સ અને વિકાસ અંગેની મહત્વની જાણકારી આપી હતી. તેમણે SoU સ્થાનિક લોકોને રોજગારી અને વિકાસમાં કેવી રીતે મદદરૂપ થઈ રહ્યું છે તેની વિગત પણ જણાવી હતી.
આ પ્રતિનિધિમંડળ તેમના આગામી પ્રવાસમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગિફ્ટ સિટી અને અમૂલ ફેક્ટરી જેવા મહત્વના સ્થળોની મુલાકાત લેશે. સાથે જ તેઓ વડનગર જેવા હેરિટેજ સ્થળોની મુલાકાત લઈને રાજ્યની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધિની જાણકારી મેળવશે.
મીડિયા પ્રતિનિધિઓ ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત કરશે. આ પત્રકારો બીએસએફ કેમ્પ, નડાબેટ, ધોરડો ખાતે રણ ઉત્સવ અને સિંધુ ખીણની સંસ્કૃતિનું મહત્વનું સ્થળ ધોળાવીરા તેમજ સ્મૃતિવનની મુલાકાત પણ કરશે.