નિર્ભયા કેસઃ મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી
નવીદિલ્હી, નિર્ભયા કેસમાં ફાંસીની સજા મેળવનાર આરોપી મુકેશ સિંહની દયા અરજી ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મોકલી આપી હતી આ અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી મુકેશે સુપ્રીમ કોર્ટથી કયુરેટિવ પિટિશ રદ થયા બાદ રાષ્ટ્રપતિ દયાની વિનંતી લગાવી હતી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મુકેશ સહિત ચાર આરોપીઓને ફાંસી આપવા માટે ૨૨ જાન્યુઆરીએ ડેથ વોરંટ જારી કર્યું હતું જા કે મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિની પાસે લંબિત હોવાને કારણે ગુરૂવારે કોર્ટે કહ્યું હતું કે૨૨ જાન્યુઆરીએ ફાંસી આપી શકાય નહીં.
ગુરુવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુકેશની દયા અરજી નકારવાની અરજી ગૃહ મંત્રાલયને મોકલી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે બુધવારે મુકેશની અરજીને નકારી કાઢી હતી. આ મામલામાં મુકેશે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી અદાલતને ડેથ વોરન્ટને નકારવાની માંગ કરી હતી.
ન્યાયાધીશ મનમોહન અને સંગીતા ઢીંગરા સહગલની અધ્યક્ષતાવાળી અદાલતની એક બેન્ચે અરજી કરનાર મુકેશના વકીલને ટ્રાયલ કોર્ટના દરવાજા ખખડાવવા અને ટ્રાયલ કોર્ટને ૭ જાન્યુઆરીના આદેશ બાદ હાલમાં જ થયેલા નવા ઘટનાક્રમથી સજાગ રહેવાનું કહ્યું. બેન્ચે કહ્યું કે, દયા અરજી લંબિત થવા અંગે ટ્રાયલ કોર્ટમાં જણાવો. મુકેશ તરફથી હાજર થયેલા વકીલ રેબેકા જ્હોન અને વૃંદા ગ્રોવરે કહ્યું કે, તેઓ બહુ જલ્દી જ પટિયાલા હાઉસ કોર્ટના દરવાજા ખખડાવશે.
સુપ્રિમ કોર્ટે મંગળવારે (૧૪ જાન્યુઆરી)ના રોજ નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપી વિનય કુમાર અને મુકેશ દ્વારા દાખલ કરાયેલી ક્યુરેટિવ અરજીને પણ નકારી કાઢી હતી. આ આરોપીઓએ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મોતની સજા પર સવાલ ઉઠાવતા અરજીઓ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મોતની સજા બાદ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે તેને યથાવત રાખી હતી.