Western Times News

Gujarati News

ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પ્રતિકાત્મક

સંસદભવન સંકુલમાં સાંસદો વચ્ચે ધક્કામુક્કી-ભાજપના સાંસદોએ કરેલા ઉગ્ર દેખાવો

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ભાજપના સાંસદ સારંગીનો દાવો છે કે રાહુલ ગાંધીના ધક્કાથી તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાજપ આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી શકે છે. સારંગીએ કહ્યું કે હું સીડીઓ પર ઊભો હતો. રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યા. જેનાથી હું પડી ગયો અને ઈજાગ્રસ્ત થયો.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્ર³ાદ જોશી રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચી ગયા છે. પ્રતાપ સારંગીના હાલચાલ જાણવા તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે. સંસદ પરિસરમાં ભાજપના સાંસદ સાથે ધક્કામુક્કીની જાણકારી પીએમ મોદીને આપવામાં આવી છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પણ રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા અને હાલચાલ જાણ્યા. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ પાત્રાએ જણાવ્યું કે હાલ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત આઈસીયુમાં છે. બંનેનું ખુબ લોહી વહી ગયું છે. તેઓ ડોક્ટરોની નિગરાણી હેઠળ છે.

સંસદમાં દબાણ અને ખેંચાણને લઈને હવે રાજકારણ વધુ ઉગ્ર બન્યુ છે. ભાજપે રાહુલ ગાંધી પર તેના સાંસદોને ધક્કો મારવાનો અને ધક્કામુક્કા કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં બે સાંસદો ઘાયલ થયા છે અને હાસ્પિટલમાં દાખલ છે. મહિલા સાંસદે રાહુલ ગાંધી પર પણ આરોપ લગાવ્યા છે. આ ધક્કામુક્કી ઘટના અંગે ભાજપ અને કોંગ્રેસ બંનેએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપે પોતાની ફરિયાદમાં રાહુલ ગાંધી પર હત્યાના પ્રયાસનો આરોપ પણ લગાવ્યો છે.

ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પછી બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે, તેમને કાયદાનું ઉલ્લંઘન કરવાની આદત છે. તેમની ઝપાઝપીમાં, બે સાંસદો નીચે પડી ગયા અને ઘાયલ થયા, હત્યાના પ્રયાસની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીએનએસની કલમ ૧૦૯ હેઠળ ફરિયાદ આપવામાં આવી છે. આ ઘટના બાદ પણ રાહુલ ગાંધીનો અહંકાર તૂટ્યો ન હતો અને તેઓ સાંસદોને મળ્યા વગર જ નીકળી ગયા હતા. રાહુલ ગાંધી પોતાને કાયદાથી ઉપર માને છે.

જ્યારે કોંગ્રેસે પણ ફરિયાદ નોંધાવી ત્યારે ઠાકુરે કહ્યું કે, ઉલટા ચોર કોટવાલ કો ડાંટે . આ એ જ રાહુલ ગાંધી છે જે પોતાની જ સરકારના વટહુકમને ફાડી નાખે છે. આ એ જ કોંગ્રેસ છે જેણે બાબા સાહેબ આંબેડકરનું વારંવાર અપમાન કર્યું હતું.

ઘાયલ બીજેપી સાંસદોની વર્તમાન સ્થિતિ પર, આરએમએલ એમએસ ડૉ. અજય શુક્લાએ કહ્યું- પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતના માથામાં ઇજા પહોંચી છે, બન્નેને દવા આપવામાં આવી છે. રાજપૂતજીનું બ્લડ પ્રેશર હજુ પણ હાઇ છે. અમે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છીએ.

સારંગીજી એક વૃદ્ધ વ્યક્તિ છે, અને જ્યારે ધક્કામુક્કી થાય છે ત્યારે બ્લડ પ્રેશર વધી શકે છે. આનાથી હાર્ટ એટેક કે સ્ટ્રાક પણ આવી શકે છે. સારંગીજી હ્રદય રોગના દર્દી હતા. અમે સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યાં છીએ.

ભાજપ રાહુલ ગાંધી પર બે સાંસદોને ધક્કો મારીને ઘાયલ કરવાનો આરોપ લગાવી રહી છે. ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ આ મુદ્દે રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો દરરોજ વિરોધ કરે છે.

આજે જ્યારે બીજેપી સાંસદો વિરોધ કરવા આવ્યા ત્યારે રાહુલ ગાંધી અને તેમના સાંસદો બળજબરીથી ત્યાં ઘૂસી ગયા અને શારીરિક પ્રદર્શન શરૂ કર્યું. તેઓએ સમજવું જોઈએ કે સંસદ શારીરિક શક્તિ બતાવવાનું પ્લેટફોર્મ નથી. આ કુસ્તીનો અખાડો નથી. રાહુલ ગાંધીએ ભાજપના બે સાંસદો પ્રતાપ સિંહ સારંગી અને મુકેશ રાજપૂતને ખરાબ રીતે ઘાયલ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.