હાથીજણ સર્કલ પર ટ્રાફિકજામની સમસ્યાથી લોકો ત્રાહિમામ
હાથીજણ સર્કલ પર ઓવરબ્રીજ બનાવાય તો ટ્રાફિકજામની સમસ્યાનો ઉકેલ આવી શકે છે તેવુ સ્થાનિકોનું માનવું છે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના છેવાડે નેશનલ હાઈવેને અડીને આવેલા હાથીજણ સર્કલ પરથી રોજની સેંકડો ટ્રકો – ગાડીઓ તથા અન્ય વાહનો પસાર થાય છે. પરિણામે પીકઅવર્સના સમયગાળામાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. અહીંયા પોલીસ સતત કાર્યરત જોવા મળે છે તેમ છતાં મોટા-મોટા લોડીંગ ટ્રકોને કારણે ચક્કાજામના દ્રશ્યો અવાર-નવાર સર્જાય છે.
મોટા કદાવર ટ્રકોને સીધા માર્ગે જવામાં સમય લાગતો નથી પરંતુ કોઈ એકાદ ટ્રક વળાંક પર વળે તો ટ્રાફિકથી સર્કલ પર જામની સ્થિતિનું નિર્માણ થાય છે. એવરેજ અહીંયા સવારે-સાંજે ટ્રાફિકજામ થઈ જાય છે. નેશનલ હાઈવે તરફ જતા ટ્રકો મોટેભાગે સરળતાથી નીકળી જાય છે પરંતુ કોઈ તોતિંગ ટ્રકને ટર્ન લેવો હોય તો ભારે મુશ્કેલ થઈ જાય છે. ટ્રક વળે ત્યાં સુધીમાં તો વાહનોની લાઈન લાગી જાય છે હાલમાં જ લગ્નપ્રસંગોની સીઝનમાં હાથીજણની પ્રજાને ટ્રાફિકજામનો સામનો કરવો પડયો હતો.
એક-દોઢ કી.મી. લાંબી લાઈનોમાં જયાં સુધી મોટા વાહનોનો રસ્તો કલીયર ન થાય ત્યાં સુધી અન્ય વાહનો નીકળી શકતા નથી આ સર્કલ પર નાના-મોટા અકસ્માતો થયેલા છે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. નેશનલ હાઈવે હોવાથી વિશાળકાય ટ્રકો નીકળે છે તેની નજીક ફરકવાની કોઈ હિંમત કરતુ નથી મોટા વાહનનું પડખુ વાગે તો પણ વાહનનો કચ્ચરઘાણ નીકળી જાય,
વળી આસપાસ શટલ રીક્ષા તથા ખાનગી વાહનોનો રાફડો હોય છે આવામાં મોટા વાહનો તો ઠીક દ્વી-ચક્રી વાહનો નીકાળવા મુશ્કેલ થઈ પડે છે. સાંજથી રાત્રીના ૮ વાગ્યા સુધી આ જ સ્થિતિ પ્રવર્તતી જોવા મળે છે. રામોલ સર્કલ પર ટ્રાફિક પોલીસ મુસ્તેદ હોય છે તેમ છતાં અહીંયા ટ્રાફિકજામ થાય છે. પરંતુ કલીયર થઈ જાય છે. હાથીજણ સર્કલ પર વ્યાપક પ્રમાણમાં વાહનો પસાર થાય છે
તો મહેમદાવાદ તરફનો ટ્રાફિક, અસલાલી- નારોલ તરફ જતો ટ્રાફીક અને વસ્ત્રાલવાળા માર્ગનો ટ્રાફકી અહીંયા અટવાય છે. સર્કલ પર ખાણીપીણી બજાર આવેલુ છે. રાતભર આવતા જતા મુસાફરો આ સ્થળે ચા-પાણી, નાસ્તો કરવા ઉભા રહેતા હોવાથી અમુક સમયે ટ્રાફિક જામ થઈ જાય છે.
હાથીજણ સર્કલ પર ઓવરબ્રીજ બનાવાય તો ટ્રાફિકજામની સમસ્યાનો ઉકેલ આવી શકે છે તેવુ સ્થાનિકોનું માનવું છે. અલબત્ત નેશનલ હાઈવેના ટ્રાફિકને ડાયવર્ઝન આપવાનું કામ તેનાથી વધારે મુશ્કેલ જણાય છે.