ભૂજથી અમદાવાદ સિવિલ ઓપરેશન કરાવવા આવેલી મહિલાનું પર્સ ચોરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/10/Ahmedabadcivil.jpg)
સિવિલ હોસ્પિટલમાંથી મહિલા દર્દીનાં પર્સની ચોરી -ભૂજથી મહિલા ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરાવવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી
(એજન્સી)અમદાવાદ, સિવિલ હોસ્પિટલમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. સિકયોરિટી તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ૧ર૦૦ બેડની હોસ્પિટલમાં મહિલા દર્દીની રોકડ રકમ, ડેબિટકાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચોરી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
ભૂજથી મહિલા ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરાવવા માટે સિવિલ હોસ્પિટલ આવી હતી જ્યાં તેને ૧ર૦૦ બેડની હોસ્પિટલમાં એડમિટ કરાઈ હતી. જ્યારે મહિલા એડમિટ થઈ ત્યારે મોડી રાતે ગઠિયો રોકડ રકમ સહિત તેમના ડોકયુમેન્ટની ચોરી કરીને પ્લાયન થઈ ગયો છે. આ ઘટનાથી સિવિલની સિકયોરિટી પર સવાલ ઊભા થયા છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી અનેક વખત મોબાઈલ, વાહનોની પણ ચોરીઓ થઈ છે જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ભૂજમાં આવેલા મુંદ્રા રોડ પાસેના નીલકંઠનગર ખાતે રહેતા પ૬ વર્ષીય શ્વેતાબહેન ક્રિશ્ચિયને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. શ્વેતાબહેન ભૂજ ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં કલાર્ક તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. શ્વેતાબહેનના ગર્ભાશયમાં ગાંઠની બીમારી હોવાથી તે તેમની દીકરી અનિકા સાથે અમદાવાદના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા.
શ્વેતાબહેનને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ૧ર૦૦ બેડની હોસ્પિટલમાં વિભાગ ડી-પ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે શ્વેતાબહેન એડમિટ થયા ત્યારે તેમની પાસે ગ્રે કલરનું પર્સ હતું જેમાં એક નાનું વોલેટ હતું. વોલેટમાં સાત અલગ અલગ બેન્કના ક્રેડિટ કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ આરસી બુક હતી. આ સાથે વોલેટમાં દસ હજાર રૂપિયા રોકડા પણ હતા.
રાતના દસ વાગ્યાની આસપાસ શ્વેતાબહેન અને અનિકા સૂઈ ગયા હતા. બીજા દિવસે શ્વેતાબહેનને ઓપરેશન માટે લઈ જવાના હતા. જેથી તેમણે પર્સને ટુરિસ્ટ બેગમાં મૂકીને લોક કરી દીધું હતું. શ્વેતાબહેનનું ઓપરેશન થઈ ગયું હતું ત્યાર બાદ ગઈકાલે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ગઈકાલે શ્વેતાબહેનને રૂપિયાની જરૂર પડતાં તેમણે ટુરિસ્ટ બેગ ખોલી હતી અને તેમાં મૂકેલું પર્સ કાઢયું હતું.
પર્સ ખોલીને જોયું તો તેમાં મૂકેલા રૂપિયા, ડેબિટકાર્ડ સહિતના ડોકયુમેન્ટથી ભરેલું વોલેટ ગાયબ હતું. શ્વેતાબહેને બેગ તેમજ તેમના કપડા ચેક કર્યા પરંતુ વોલેટ મળી આવ્યું નહીં જેથી તેમને ચોરી થઈ હોવાની ખબર પડી ગઈ હતી. શ્વેતાબહેન હોસ્પિટલમાં એડમિટ થતાં તે રાતે ગઠિયાએ પર્સમાં રાખેલું વોલેટ ચોરી લીધું હતું. સિકયોરિટીથી સજ્જ સિવિલ હોસ્પિટલમાં દર્દીના કિંમતી સરસામાનની ચોરી થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
શ્વેતાબહેને આ મામલે તરત જ શાહીબાગ પોલીસને જાણ કરી હતી. શાહીબાગ પોલીસે શ્વતાબહેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ચોરી કરનાર માણસ હોસ્પિટલનો કોઈ જાણભેદુ કે પછી અન્ય દર્દીના સગા હોય તેવું ચર્ચામાં છે. પોલીસે ૧ર૦૦ બેડની હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને સિકયોરિટી ગાર્ડની પૂછપરછ શરૂ કરી છે.