મિલ્લતનગર પાસે કપાતમાં આવતા 11 બાંધકામો હટાવી ટીપી રોડ ખુલ્લો કરાયો
નારોલનાં અલ હબીબ એસ્ટેટમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામને તોડી પડાયું
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ ગેરકાયદે બાંધકામો અંગે તેમનું આકરું વલણ સ્પષ્ટ કરી દીધું છે. રોજેરોજ શહેરના અલગ અલગ ઝોનમાં ઊભા કરાયેલા કાયદેસર બાંધકામો પર તંત્ર હથોડા ઝીંકી રહ્યું છે અને કસૂરવારો પાસેથી આકરા દંડની વસૂલાત પણ કરવામાં આવે છે. દક્ષિણ ઝોનના નારોલ વિસ્તારમાં આવેલા અલ હબીબ એસ્ટેટમાં ઊભા કરાયેલા ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને તંત્રએ તોડી નાંખ્યું છે.
બહેરામપુરા (પૂર્વ) વોર્ડમાં ટીપી નં.-૬૩ (ઈસનપુર પશ્ચિમ પાર્ટ)ના ઈસનપુર રેવન્યુ સર્વે નં.રર૧, રર૩, રર૪ પૈકી બહેરામપુરાના નરોલ સર્કલ નજીક આવેલા અલ હબીબ એસ્ટેટમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના ૩પ૦૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ પર તંત્ર ત્રાટકયું હતું.
અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એકટ-૧૯૪૯ અંતર્ગત નોટિસ ફટકારવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ગેરકાયદે બાંધકામને આગળ વધતું અટકાવવા માટે ર૩ ઓગસ્ટ ર૦ર૪ના રોજ તેને સીલ પણ કરી દેવામાં આવ્યું હતું આમ છતાં પણ બાંધકામકર્તા દ્વારા આ ગેરકાયદે બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવામાં ન આવતા આખરે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ત્રણ દબાણગાડી, એક ગેસકટર મશીન અને ર૦ ખાનગી કોન્ટ્રાક્ટરના મજૂરોની મદદથી અલ હબીબ એસ્ટેટમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરાયું હતું.
આ ઉપરાંત ટીપી સ્કીમ અમલીકરણ અંતર્ગત જાહેર માર્ગ ખુલ્લા કરવાની કામગીરીના ભાગરૂપે ટીપી સ્કીમ નં.ર૪ (મણિનગર-એકસ)ના મણિનગર વિસ્તારમાં આવેલા મિલ્લતનગર નજીક ર૪ મીટર પહોળાઈના ટીપી રોડ પરથી આશરે ૧પ૦૦ ચોરસફૂટના રોડ કપાતમાં આવતા કુલ સાત રહેણાંક,
ચાર કોમર્શિયલ અને પાંચ ઓટલા એકસ્ટેન્શન પ્રકારના બાંધકામોને જેસીબી મશીન, દબાણગાડી તથા મજૂરોની મદદથી હટાવવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા અંદાજિત ૧૦૦ રનિંગ મીટર ટીપી સતો ખુલ્લો કરવામાં આવતાં સ્થાનિક રહીશોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી.
દક્ષિણ ઝોનમાં આવેલા જુદા જુદા જાહેર માર્ગ તથા બીઆરટીએસ રૂટ પરથી ટ્રાફિકની અવરજવરમાં નડતરરૂપ બે કાચા શેડ, સાત લારી તથા ૩ર પરચૂરણ માલસામાન અને લુઝ દબાણોને જપ્ત કરી તંત્રના ગોડાઉન ખાતે જમા કરવામાં આવ્યા હતા અને જાહેર માર્ગ ખુલ્લા કરાયા હતા. જાહેર માર્ગ પર આડેધડ પાર્ક કરવામાં આવેલા ૧૬ વાહનોને લોક મારીને કસૂરવાર ચાલકો પાસેથી રૂ.૮પ૦૦નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.