આરોગ્ય કેન્દ્રમાં તબીબ-નર્સ ઈલુ ઈલુ કરતાં ઝડપાયાં
મહેસાણા, વિસનગર તાલુકાના એક ગામના આરોગ્ય કેન્દ્રમાં ૧૩ ડિસેમ્બરના રોજ તબીબ અને મહિલા નર્સ એકબીજા સાથે ઈલુ ઈલુ કરતા હતા. આરોગ્ય કેન્દ્રમાં જ અન્ય સ્ટાફની હાજરીમાં તબીબ દ્વારા પોતાનો હોદ્દો અને માનમર્યાદા નેવે મુકીને કરાઈ રહેલી આ પ્રવૃતિને પગલે બંને જણાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
નર્સ સાથે ઈલુ ઈલુ કરતાં ઝડપાયેલા આ તબીબના અન્ય મહિલા સાથે પણ સંબંધ હોવાની ચર્ચાએ આરોગ્ય તંત્રમાં જોર પકડયું છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને કોઈએ જાણ કરતાં તેમણે વિસનગર તાલુકા હેલ્થ ઓફિસર રાજુભાઈ પટેલને સમગ્ર ઈલુ ઈલુ પ્રકરણ અંગે તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસ અહેવાલ સુપરત કરવા માટે કહ્યું હતું.
જેને પગલે તાલુકા હેલ્થ ઓફિસરે તમામ સ્ટાફના નિવેદન અને સીસીટીવી કૂટેજ મેળવી પ્રાથમિક તપાસ અહેવાલ તૈયાર કરી બુધવાર મોડી સાંજે ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઘનશ્યામ ગઢવીને સુપરત કર્યો હતો.