તમારા યુવાન પુત્ર-પુત્રી સાથે આવું ન થાય તેનું ધ્યાન રાખજોઃ ડ્રગ્સનો નશો ભારે પડશે
યુવાનોના માતા-પિતાએ ખાસ વાંચવા જેવો કિસ્સોઃ યુવકને ડ્રગ્સનો નશો કરાવી લુડો ગેમ રમાડી 12 કરોડનું ચીટીંગઃ પ્રોપર્ટી પડાવી લીધી
ડ્રગ્સની આદત પાડી પ્રોપર્ટી પડાવી લેનાર શખ્સો સામે તપાસનો આદેશ -સરદારનગર પોલીસ કુખ્યાત શખ્સો વિરૂદ્ધ તપાસ કરશેઃ ચીટર કંપનીએ યુવક પાસેથી કરોડો રૂપિયાની પ્રોપર્ટી લખાવી દીધી
અમદાવાદ, યુવકને એમડી ડ્રગ્સનો નશો કરાવી કરોડો રૂપિયાની પ્રોપર્ટી હડપ કરનાર ચીટર કંપની વિરૂદ્ધ ડીસીપીએ સરદારનગર પોલીસને તપાસના આદેશ આપ્યા છે. યુવકની ફરિયાદના આધારે ડીસીપીએ સરદારનગર પોલીસને તપાસ સોંપી છે.
યુવકને એમડી ડ્રગ્સનો નશો કરાવ્યા બાદ તેની સાથે હેક કરેલી લુડો ગેમ ગઠિયાઓ રમ્યા હતા. યુવક લુડો ગેમમાં ૧ર કરોડ રૂપિયા હારી ગયો હતો જેમાં ચીટર કંપનીએ તેની કરોડો રૂપિયાની પ્રોપર્ટી લખાવી લીધી હતી. આ કાંડમાં અજય, જીતુ રાધે, પરુ સહિતના શખ્સોની સંડોવણી હોવાનો આરોપ થતાં પોલીસે તપાસ તેજ બનાવી છે.
ઈÂન્દરા બ્રિજ નજીક આવેલા ભાટ પાસે રહેલા રાજ (નામ બદલ્યુ છે) નામનો યુવક હાલ ન્યાયની આશાએ પોલીસના દરવાજા પર ઊભો રહી ગયો છે. રાજ પાસેથી પાંચ કરોડની પ્રોપર્ટી કુબેરનગરના અજય નામના યુવકે લખાવી લીધી છે. અજય તેના મિત્ર જીતુ રાધે સહિતના લોકો સાથે મળી રાજને નશાના રવાડે એટલી હદે ચઢાવી દીધો કે હાલ તેને રોવાના દિવસો આવી ગયા છે. કુબેરનગરના રિમિનલ માઈન્ડ અજયે રાજ સાથે મિત્રતા કરી હતી અને તે પછી અસલ ખેલ શરૂ કર્યો હતો. માથાભારે શખ્સ અને રાજ બંધબારણે પાર્ટી કરતા હતા. ત્યારબાદ લુડો ગેમ રમતા હતા.
લુડો ગેમ હેક કરેલી હતી જેથી અજયના ઈશારે પાસા ફેંકાતા હતા અને અંતે રાજને હારવાના દિવસો આવી ગયા હતા. ૧ર કરોડથી વધુ રકમ રાજ હેક કરેલી લુડોમાં હારી ગયો હતો. રાજને જ્યારે રૂપિયા ચૂકવવાના આવ્યા ત્યારે અજયે પોતાની નફટાઈ બતાવી હતી. ચીટિંગ કરીને અજયે રાજ પાસેથી પાંચ કરોડ રૂપિયાની પ્રોપર્ટી પચાવી પાડી હતી. નશાની હાલતમાં રાજે પ્રોપર્ટીનો દસ્તાવેજ પણ અજયના નામે કરી દીધો હતો. આજે રાજની હાલત એવી છે કે તેને સમયે સમયે એમડી ડ્રગ્સ ના મળે તો તે બેચેન થઈ જાય છે.
રાજ લાખો રૂપિયાનું એમડી ડ્રગ્સ આ શખ્સ પાસે મંગાવતો હતો. રાજને ઉંધા રવાડે ચઢાવી દીધા બાદ અજયે પોતાનો ઈરાદા પાર પાડવાનું શરૂ કર્યું હતું. ચાર મહિના પહેલાં રાજની અજય નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. અજય, જીતુ રાધે, પરુ તેમજ રાજ અનેક વખત દારૂ તેમજ ડ્રગ્સની પાર્ટી કરતાં હતા. અજય સહિતના શખ્સોએ ભેગા થઈ રાજને એમડી ડ્રગ્સનો આદી બનાવી દીધો હતો.
એમડી ડ્રગ્સના નશામાં એક દિવસ બન્ને યુવકોએ લુડો ગેમ રમવાની શરૂ કરી હતી, જેમાં રાજ ૧ર કરોડ રૂપિયા હારી ગયો હતો. રાજ કરોડો રૂપિયા હારી જતાં બન્ને યુવકોએ તેની સાથે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. રૂપિયા નહીં આપતાં બન્ને યુવકોએ રાજ પર હુમલો કર્યો હતો અને તેના ગળા પર તલવાર મૂકીને પાંચ કરોડ રૂપિયાની પ્રોપર્ટી લખાવી દીધી હતી.
પ્રોપર્ટી લખાવી લીધા બાદ રાજનું અપહરણ કરી એક હોટલમાં પાંચ દિવસ સુધી ગોંધી રાખ્યો હતો. ત્યારબાદ ધમકી આપી હતી કે આ મામલે પોલીસને કે પછી બીજા કોઈ પણને જાણ કરીશ તો તને જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાંખીશું. ત્યારબાદદ તારા પરિવારની પણ હત્યા કરી નાંખીશું. પ્રોપર્ટી જવાના દુઃખથી રાજે વધુ નશો કરવાનું શરૂ કર્યું હતું અને હાલ તે ડ્રગ્સનો આદી બની ગયો છે. રાજની પ્રોપર્ટી હડપ થતી બચાવવા સમાજના કેટલાક આગેવાનો પણ વચ્ચે આવ્યા હતા.
અજયે આ આગેવાનો વિરૂદ્ધ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હ તી જેમાં પોલીસે તેમની સામે અટકાયતી પગલાં ભર્યાં હતા. અજય વિરૂદ્ધ માત્ર ગુજરાતમાં નહીં પણ અન્ય રાજ્યમાં પણ સંખ્યાબંધ ગુના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. પૂર્વયોજિત કાવતરું ઘડીને ગઠિયાઓએ રાજને પહેલાં નશાનો આદી બનાવ્યો. ત્યાર બાદ તેની પ્રોપર્ટી લખાવી લીધી હતી.
પાંચ કરોડની પ્રોપર્ટી છારાનગરના માથાભારે શખ્સે તેની પત્નીના નામે કરાવી લીધી હોવાનું પણ સામે આવ્યું છે. આ સિવાય માથાભારે શખ્સ સામે જે કોઈ પડે છે તેની સામે તે ફરિયાદો કરીને કાયદાની ચુંગાલમાં ફસાવી દે છે. આ મામલે ઝોન-૪ના ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું છે કે, યુવકની ફરિયાદના આધારે કેસની તપાસ સરદારનગર પોલીસને સોંપી છે.