Western Times News

Gujarati News

બાંગ્લાદેશની સરકારના નેતાની પોસ્ટ સામે ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હી, ભારતે બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતા મહેફુઝ આલમ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટનો જોરદાર વિરોધ કર્યાે છે.

થોડા સમય પછી ડિલીટ કરાયેલી પોસ્ટમાં બંગાળ, આસામ અને ત્રિપુરા બાંગ્લાદેશનો હિસ્સો હોવાનો દાવો કરાયો હતો.મહેફુઝ આલમની પોસ્ટ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે આ મુદ્દે બાંગ્લાદેશ સામે કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યાે છે.

અમારી માહિતી મુજબ જે પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તેને હટાવી દેવામાં આવી છે.” તેમણે કહ્યું હતું કે, “આવા નિવેદન ચલાવી લેવામાં નહીં આવે. અમે તમામ સંબંધિત પક્ષોને જણાવવા માંગીએ છીએ કે, તેમણે જાહેર ટિપ્પણી અંગે સાવચેતી અપનાવવી જરૂરી છે.

ભારતે વારંવાર બાંગ્લાદેશના લોકો અને વચગાળાની સરકાર સાથે સંબંધો વધારવા ઉત્સુકતા દર્શાવી છે ત્યારે આવા નિવેદન જાહેર ટિપ્પણી કરતી વખતે જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂકે છે.” મહેફુઝ આલમે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શેખ હસીનાને જે બળવાને કારણે રાજીનામું આપવાની ફરજ પડી તેને ભારતે માન્યતા આપવી જોઇએ.”

તેમણે પોસ્ટમાં શેખ હસીના સરકારના પતન અંગે ભારત પર ટિપ્પણી કરી હતી. ઉપરાંત પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરાને બાંગ્લાદેશનો હિસ્સો ગણાવ્યો હતો. જોકે, પોસ્ટને થોડા સમય પછી હટાવી દેવાઈ હતી.ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ યુનુસના વડપણ હેઠળ ઓગસ્ટમાં વચગાળાની સરકારે બાંગ્લાદેશની સત્તા સંભાળી ત્યારથી ભારત સાથેના સંબંધોમાં તણાવ વધ્યો છે.

જયસ્વાલને પ્રશ્ન પુછાયો હતો કે, યુનુસે હજુ બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી યોજવાનો ચોક્કસ સમય આપ્યો નથી. તેના જવાબમાં જયસ્વાલે કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે, “અમે બાંગ્લાદેશમાં લોકશાહી, સ્થિરતા, શાંતિ અને સર્વસમાવેશિતાને ટેકો આપીએ છીએ. અમે બંને દેશ વચ્ચે રચનાત્મક સંબંધોની ઇચ્છા વ્યક્ત કરી છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.