જ્યાં સુધી દોષિતોને ફાંસી થતી નથી ત્યાં સુધી શાંતિ નહીં મળેઃ નિર્ભયાની માતા
દોષિતોને તારીખ ઉપર તારીખ મળી રહી છેઃ વ્યવસ્થામાં દોષિતને મહત્વ મળ્યું છેઃ રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી
નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત મુકેશસિંહની દયાની અરજીને આજે ફગાવી દીધી હતી. મુકેશે સુપ્રીમ કોર્ટમાંથી તેની ક્યુરેટિવ અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરી હતી. ૨૦૧૬માં મુકેશ સહિત ચાર દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ બાકી બચી ગયેલા કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમય પણ હવે નિકળી ગયો છે.
બીજી બાજુ પટિયાલા હાઉસ કોર્ટે સાતમી જાન્યુઆરીના દિવસે ચારેય અપરાધીઓને ડેથ વોરંટ જારી કરીને અગાઉ ૨૨મી જાન્યુઆરીના દિવસે ફાંસીની તારીખ નક્કી કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ સમક્ષ મુકેશે દયાની અરજી દાખલ કરી હતી પરંતુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દયાની અરજીને ફગાવી દીધી હતી. મુકેશની દયાની અરજીને ગૃહમંત્રાલય દ્વારા ગુરુવારે રાત્રે રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવી હતી. જ્યાં સુધી તમામ આરોપીઓના તમામ કાનૂની વિકલ્પો પૂર્ણ થતાં નથી ત્યાં સુધી કોઇને પણ ફાંસી આપી શકાય તેમ નથી. આવી Âસ્થતિમાં હજુ પણ દુવિધાઓ રહેલી છે.
નવેસરથી ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, જ્યાં સુધી દોષિતોને ફાંસી થતી નથી ત્યાં સુધી તેમને શાંતિ થશે નહીં. કોર્ટની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા આશાદેવીએ કહ્યું હતું કે, જે અપરાધીઓ ઇચ્છતા હતા તે જ થઇ રહ્યું છે. એક પછી એક તારીખો મળી રહી છે.
અમારી વ્યવસ્થામાં દોષિતોની વાતને સાંભળવામાં આવે છે. આ પહેલા જેલના અધિકારીઓને કોર્ટ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. દયાની અરજીઓ ફગાવી દેવામાં આવ્યા બાદ નવેસરથી ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા છે. ૨૩ વર્ષીય પેરામેડિકલની વિદ્યાર્થી પર ૨૦૧૨માં બળાત્કાર થયો હતો.