Western Times News

Gujarati News

ગટર લાઈનની કામગીરી સમયસર પૂર્ણ ન થતાં અંતિમ યાત્રા કાદવમાંથી કાઢવી પડી

બારડોલીમાં નગરપાલિકાના અણઘડ વહીવટને લઈને નગરજનો ત્રસ્ત બન્યા

સુરત, સુરત જિલ્લાના બારડોલીમાં નગરપાલિકાના અણઘડ વહીવટને લઈને નગરજનો ત્રસ્ત બન્યા છે. ઘણા દિવસોથી ઠેર ઠેર ગટર લાઈનની કામગીરીના નામે ખોદકામ કરી અને સમયસર પૂર્ણ નહીં કરાતા આજે એક અંતિમ યાત્રા ભર કાદવમાંથી કાઢવામાં આવી હતી.

જિલ્લામાં હંમેશાને માટે વિવાદાસ્પદ રહેલ બારડોલી નગરપાલિકાના શાસકોની વધુ એક લાલિયાવાડી સામે આવી છે. બારડોલીમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઈનની કામગીરીના નામે આડેધડ ખોદકામ કરી દેવામાં આવ્યા છે. નગરપાલિકામાં શાસકો નિÂષ્ક્રય હોય, અધિકારીઓ પણ કોઈ કામ સમયસર પૂર્ણ કરતા નથી. અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે. જેથી ખોદકામ કરેલું સ્થળ હોય ત્યાં કાદવ, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે.

જોકે આ કાદવ કીચડ અને ગંદકીની પરિસ્થિતિ વચ્ચે આજે કેટલાક વરવા દૃશ્યો સામે આવ્યા હતા. નગરના મુખ્ય માર્ગ નજીક આવેલ બેન્ડવાલા ટેકરા પાસેનો રસ્તો ખોદી કાઢવામાં આવતા એક અંતિમયાત્રાને પસાર નીકળી હતી. આ યાત્રા માટે અન્ય બીજા કોઈ રસ્તેથી નીકળે તે પણ શક્ય ન હતું. જેથી કાદવ કીચડ વાળા રસ્તામાંથી અંતિમયાત્રા પસાર કરવાની નોબત આવી હતી.

બારડોલી નગરમાં એક બાજુ એનઆરઆઈ સિઝન પણ ચાલુ હોય, સ્થાનિક નાના મોટા દુકાનદારોને વ્યાપાર અને વ્યવસાય કરવાનો ખરો સમય હોય ત્યારે બારડોલી નગરપાલિકા દ્વારા આડેધડ ખોદકામ કરીને માર્ગો બંધ કરી દેવાના સ્થાનિક રહીશો તો તોબા પોકારી ઉઠ્‌યા છે.

ગટર લાઈનના નામે અનેક જગ્યાએ ખોદકામો કરાયા છે. જ્યાં કામ ચાલે છે ત્યાં શાસકો નિયમિત જોવા પણ મળતા નથી. સમગ્ર મામલે નગરપાલિકાના પ્રમુખ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે કામગીરી હાલ ચાલુ છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બારડોલી નગરમાં થતાં અનેક કામો સમયસર પૂર્ણ નહીં થતા ઘણી જગ્યાએ આવા ખોદકામોથી નગરજનો ત્રસ્ત બન્યા છે. જેથી વહેલી તકે શાસકો અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા આવા ખોદકામ કરાયેલા સ્થળોનું સમયસર કામ પૂર્ણ કરે અને ફરી માર્ગો બનાવી દેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. જેથી વાહનોની અવરજવર પણ થઈ શકે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.