કેનેડામાં ગુજરાતી યુવતીનાં મોતનાં મામલે પૂર્વ પતિ વાન્ટેડ જાહેર
બોરસદ: પામોલની ૨૮ વર્ષની હિરલ પટેલનો મૃતદેહ કેનેડાના ટોરન્ટોમાં કચડાયેલી હાલતમાં મળ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, યુવતીનાં મોતને અકસ્માતમાં ખપાવી દેવાનું ષડ્યંત્ર રચાયું છે. કેનેડા પોલીસે તેના ૩૬ વર્ષીય પૂર્વ પતિ રાકેશ પટેલને વાન્ટેડ જાહેર કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. બીજી બાજુ યુવતીનાં કાકા રાકેશ પટેલે તેના જેઠ સુનિલ પટેલે મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો હતો.
ટોરેન્ટો પોલીસ યુવતીના પતિ રાકેશ પટેલ સામે વોરંટ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં કેનેડા પોલીસની સ્પેશિયલ ટીમ તપાસ કરી રહી છે. હિરલ પટેલના કેસમાં પૂર્વ પતિ રાકેશ પટેલ શંકાસ્પદ આરોપી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પૂર્વ પતિ રાકેશ પટેલની ધરપકડને લઈ ગુરુવારે ફર્સ્ટ ડિગ્રી હત્યાનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
હિરલ પટેલને અગાઉ થયેલા ઝગડા સમયે ધમકી આપનારા જેઠ સુનિલ પટેલ હાલ અમેરિકાથી ભારત આવ્યા છે. તેમણે અહીંયા ઉતરાયણ પણ ઉજવી હતી. તેણે જ કારસો રચ્યો હોવાનાં આક્ષેપ સાથે હિરલના કાકાએ પોલીસને રજૂઆત કરી સુનિલ પટેલની પણ પૂછપરછ અહીંયા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
હિરલની કાર ઈસલિંગ્ટન એવન્યુ અને સ્ટીલ્સ એવન્યુ વેસ્ટ નજીથી પસાર થઈ હતી. તેણે બ્લેક જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યાં હતાં અને તે બ્લેક એન્ડ વ્હાઇટ બેકપેક લઈને ગઈ હતી. પોલીસે બ્રિમ્પટનમાં ફિન્ચ એવન્યુ વેસ્ટ અને સ્ટીલ્સ એવન્યુ ઈસ્ટ નજીકના ૧૫૬ પાર્કશોર ડો. પર કમાન્ડ પોસ્ટ મૂકી હતી અને જાણકારી માટે લોકોની મદદ માગી હતી.
નોંધનીયય છે કે, પામોલ ગામમાં રહેતી હિરલ પટેલનાં લગ્ન ૭ વર્ષ પહેલા એટલે કે વર્ષ ૨૦૧૩માં મૂળ કિંખલોડના અને કેનેડા સ્થાઈ થયેલા એનઆરઆઈ રાકેશ મહેન્દ્રભાઈ પટેલ સાથે થયાં હતાં. લગ્ન પછી કેનેડા પહોંચેલી હિરલે મેડિકલ ક્ષેત્રે જોબ શરૂ કરી હતી. લગ્નના થોડા સમય બાદ સાસરિયાએ હિરલ પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આથી કંટાળીને તે ભાઈના ઘરે રહેવા જતી રહી હતી. દરમિયાન ૨ માસ પહેલા તેણે છૂટાછેડા લીધા હતા. ૧૧ જાન્યુઆરીએ નોકરી પર ગયેલી હિરલ પરત ન ફરતાં તેના ભાઈએ ટોરેન્ટો પોલીસને જાણ કરી હતી. પોલીસે શોધખોળ શરૂ કરતાં ગુમશુદા હિરલનો મૃતદેહ ખાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. હિરલનો મૃતદેહ અકસ્માતગ્રસ્ત કારમાં કચડાઈ ગયેલી હાલતમાં હતો.