અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસનો આરોપી ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવતા શીખ્યો
પત્નિ -સાળાને મારવાનો બનાવ્યો હતો પ્લાન
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનાને લઇને પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કેટલાક મોટા ખુલાસા થયા છે. આરોપી રૂપેણ બારોટ ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાનું શીખ્યો હતો અને ઘરમાંથી મળેલા બોમ્બથી તે તેની પત્ની અને સાળાને પણ મારવાનો હતો. પોલીસ આરોપીઓના રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરી શકે છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસ ખાતે રહેતા બળદેવભાઇ સુખડીયાના ઘરે શનિવાર સવારે ૧૦.૪૫ વાગ્યે પાર્સલ બ્લાસ્ટ થયો હતો. પાર્સલ ડિલિવરી કરનાર ગૌરવ ગઢવીને પોલીસે સ્થળ પરથી જ પકડી લીધો હતો. પોલીસ તપાસમાં આ બ્લાસ્ટ રોહન બારોટે કરાવ્યો હોવાનું ખુલ્યું હતું.
તે બાદ સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ અને ન્ઝ્રમ્ની વિવિધ ટીમ બનાવી મુખ્ય સુત્રધાર રૂપેણ બારોટ અને રોકી ઉર્ફે રોહન રાવલને પકડવા માટે જુદી જુદી ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલ રાત્રે બન્ને આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓની કારમાંથી બે જીવતા બોમ્બ અને દેશી તમંચો મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી મળી આવેલા જીવતા બોમ્બને નિષ્ક્રિય કરવા માટે હ્લજીન્ની મદદ લેવામાં આવી હતી. ત્રણ કલાક બાદ જીવતા બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.
પાર્સલ બ્લાસ્ટના મુખ્ય આરોપી રૂપેણ બારોટનો તેની પત્ની સાથે વિવાદ ચાલતો હતો અને ૨૩ માર્ચે તે ઘર છોડીને તેના પિયરમાં રહેવા જતી રહી હતી. રૂપેણ પેટના રોગની બિમારીથી પિડાતો હોય અને અવાર નવાર પત્નિ હેતલ અને સસરા અને સાળાને નિર્બળ હોવાનો અહેસાસ કરાવતો હતો. પરિવારથી એકલા પડી જતા મનમાં માઠુ લાગી આવતા ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ તેમજ દેશી બનાવટ હથિયાર બનાવવાનું શીખ્યો હતો.
તે બાદ તેના સસરા, સાળા અને બળદેવભાઇને મોતને ઘાટ ઉતારી પત્નીને પરીવારથી છુટા પાડી એકલતાનો અહેસાસ કરાવવા માંગતો હતો.તે બાદ આરોપીએ ગંધક પાઉડર,બ્લેટ,બેટરી, ચારકોલ, ફટાકડાઓનો ગન પાઉડર વગેરે સામગ્રી એકઠી કરી રીમોટ સંચાલિત બોમ્બ તેમજ દેશી તમંચો બનાવી ષડયંત્ર રચ્યું હતું.
આરોપી રૂપેણ બારોટે ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાની પ્રોસેસ શીખવામાં ચારથી પાંચ મહિના જેટલો સમય લગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બોમ્બ બનાવવા માટે આરોપીએ લેથ મશીન, વેલ્ડિંગના મશીનનો ઉપયોગ કર્યો હતો. પોલીસ આરોપીના રિમાન્ડ માંગી વધુ તપાસ કરી શકે છે જેમાં કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.
રૂપેણ બારોટે પાર્સલ બોમ્બ વિસ્ફોટના એક દિવસ પહેલા રોહનને બળદેવભાઇના ઘરે મોકલ્યો હતો. જોકે, બળદેવ સુખડિયા ઘરે ના હોવાથી આ પ્લાન ફેલ થયો હતો. બીજા દિવસે ગૌરવ ગઢવીને પાર્સલ સાથે મોકલ્યો હતો. પાર્સલને જોતા જ બળદેવ સુખડિયાએ કહ્યું કે મેં કોઇ પાર્સલ મંગાવ્યું નથી. તે બાદ રોહને દૂરથી રિમોટ દબાવતા પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો.
પાર્સલ બ્લાસ્ટ કર્યા બાદ રોહન ઘણી જગ્યાએ પોલીસથી ભાગતો જોવા મળ્યો હતો. મુખ્ય આરોપી રિપેણ ૧૨ સાયન્સ ભણેલો છે અને તે લેથના કામ અને વેલ્ડિંગના કામ જાતે કરી શકે છે. આ બન્ને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે.
પોલીસે પાર્સલ બ્લાસ્ટમાં પકડેલા ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. રૂપેન રાવ (બારોટ) સામે બનાસકાંઠાના ભાભરમાં તેમજ મહેસાણાના લાડોલમાં પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધાયેલો છે.