Western Times News

Gujarati News

Ahmedabad: કોટ વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલ ASIની બોગસ પરવાનગીનું કૌભાંડ

પ્રતિકાત્મક

ર૦૧૯માં બોગસ પરવાનગીના કારણોસર ૧૦ બાંધકામોની રજા ચીઠ્ઠી રદ થઈ હતી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં આર્કિયોલોજી વિભાગની બોગસ પરવાનગી મામલે સલમાન એવન્યુના પાંચમા અને છઠ્ઠા માળનું ડીમોલીશન કરવામાં આવ્યું છે. સલમાન એવન્યુના બે માળનું ડીમોલીશન હમણા કરવામાં આવ્યું પણ આ મામલો લગભગ પાંચ વર્ષ જુનો છે. ર૦૧૮-૧૯માં અનેક બિલ્ડરોએ આવી બોગસ પરવાનગી રજુ કરી પ્લાન મંજુર કરાવી બાંધકામ કર્યાં હતાં તે સમયે આ અંગે તપાસ પણ થઈ હતી

તથા કેટલીક સ્કીમોની રજા ચીઠ્ઠી રદ કરવામાં આવી હતી તથા જયારે લગભગ છ જેટલા બાંધકામોને તોડી પાડવા આદેશ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આ બાંધકામો સમયસર તોડી પાડવામાં ન આવતા મિલકત ખરીદનાર મધ્યમ વર્ગના નાગરિકો ફસાયા હોવાનો અહેસાસ અનુભવી રહયા છે અને એસ્ટેટ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર વધુ એક વખત ઉજાગર થયો છે.

આર્કીયોલોજી ઓફ ઈન્ડીયાના નિયમ મુજબ જે તે હેરીટેજ મિલકતની ત્રિજયામાં બાંધકામ માટે પરવાનગી જરૂરી છે. તથા તે મુજબ બાંધકામની ઉંચાઈ માટે પરવાનગી આપવામાં આવે છે. મનપાના શાસકો અને અધિકારીઓ આ નિયમોની ઐસીતૈસી કરી રહયા છે. ર૦૧૮-૧૯માં આસ્ટોડીયા વિસ્તારમાં બોગસ પરવાનગી રજૂ કરી તે બાંધકામ કરાવવામાં આવ્યું હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી હતી. જેના પગલે તંત્ર ચોકી ઉઠયું હતું. તથા આર્કીયોલોજી ખાતાની રજૂ કરવામાં આવેલી પરવાનગીની ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. તથા આર્કીયોલોજી ખાતા તરફથી લીલી-ઝંડી મળ્યા બાદ નવ બાંધકામોની રજાચીઠ્ઠી રદ કરવામાં આવી હતી. આર્કીયોલોજી ઓફ ઈન્ડીયા દ્વારા જાહેર કરવામાંઆવેલ નિયમ મુજબ જે તે હેરીટેઝ મિલકત ૧૦૦થી ૩૦૦ મીટર ની ત્રિજયામાં બાંધકામ કરવા માટે એએસએફની પરવાનગી જરૂરી છે.

અમદાવાદમાં આ પ્રકારની પરવાનગી ગાંધીનગર સ્થિત ઓફીસેથી આપવામાં આવે છે. કોટ વિસ્તારમાં પાંચ વર્ષ અગાઉ પ્લાન મંજૂરી સમયે એએસએફની જે પરવાનગી રજૂ કરવામાં આવી હતી તે ખોટી હતી અથવા તો તેમાં ચેડા થયા હતા. તેવી શંકાના આધારે ૨૦૧૯માં એક સામાજીક કાર્યકરે આસ્ટોડીયા વિસ્તારના એક બાંધકામની આરટીઆઈ કરી હતી. જેમાં એસએફઆઈ પરવાનગીમાં ચેડા થયા હોવાની વિગતો બહાર આવી હતી.

આર્કીયોલોજી વિભાગ દ્વારા આપવામાં આવેલી પરવાનગીમાં ચેડા કરીને વધુ હાઈટ લેવામાં આવી હતી. આર્કીયોલોજી વિભાગની પરવાનગીમાં ચેડા થયા હોવાની વિગતો બહાર આવતા જ મધ્યઝોન એસ્ટેટખાતામાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર પણ જાહેર થયો હતો. તેથી તત્કાલીન મ્યુનિ.કમીશ્નરે છેલ્લા ૨૦૧૭ થી ૨૦૧૯ના વર્ષ દરમ્યાન જે બાંધકામના પ્લાન મંજૂર કરવામાં આવ્યા હતા તેમની એએસઆઈ પરવાનગીની ચકાસણી કરવા સુચના આપી હતી.

મ્યુનિ.કમીશ્નરના આદેશ બાદ ટી.ડી.ઓ ખાતા દ્વારા જે બાંધકામની પરવાનગી શંકાસ્પદ લાગતી હતી તેની અલગ તારવણી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ ટી.ડી.ઓ ખાતા દ્વારા કુલ ર૮ બાંધકામ ની પરવાનગીના ડોકયુમેન્ટ દિલ્હી સ્થિત એએસઆઈ ઓફીસે મોકલવામાં આવ્યા હતા. જેમાં ૧૬ ડોકયુમેન્ટ બરાબર હોવાના રીપોર્ટ આવ્યા હતા.

જયારે દસ બાંધકામોના પ્લાન મંજૂરી માટે એએસઆઈની ખોટી પરવાનગી રજૂ કરવામાં આવી હતી અથવા તો તેમાં ચેડા કરીને વધુ બાંધકામ કરવામાં આવ્યા હતા. એએસઆઈ ખાતાના સદ્દર રીપોર્ટ બાદ સંલગ્ન વિભાગ દ્વારા દસ બાંધકામોની રજાચીઠ્ઠી રદ કરવામાં આવી હતી. જે પૈકી ચાર બાંધકામો તોડી પાડવા માટે મધ્યઝોનના ડે.એસ્ટેટ ઓફીસર ને સુચના આપવામાં આવી હતી.જેનો તે સમયે અમલ થયો નહતો.

જયારે ૦૬ બાંધકામોની વિજીલન્સ તપાસ શરૂ કરવામાં આવી હતી. અત્રે નોધનીય બાબત એ છે કે મધ્યઝોન એસ્ટેટ ખાતામાં એએસઆઈની બોગસ પરવાનગીનું કૌભાંડ વર્ષોથી ચાલી રહયું છે.તેમજ ઈમ્પેકટ અંતર્ગત બાંધકામને મંજૂર કરવા માટે આ પ્રકારની બોગસ પરવાનગી સબમીટ કરવામાં આવી છે. ઈમ્પેકટ અંતર્ગત આ પધ્ધતિથી ૧પ૦ જેટલા બાંધકામોને કાયદેસર કરવામાં આવ્યા હોવાની વિગતો પણ જાહેર થઈ હતી.

પરંતુ તેને યેનકેન દબાવી દેવામાં આવી હતી. તે સમયે મધ્યઝોનમાં આસી.એસ્ટેટ ઓફીસર તરીકે ફરજ બજાવનાર અને નિવૃત્તિના દિવસે પ્રમોશન મેળવનાર એક અધિકારી શંકાના દાયરામાં આવ્યા હતા. જાણકારોના મંતવ્ય મુજબ આ નિવૃત્ત અધિકારી અને તેમના મળતીયાઓએ આર્કીયોલોજી ખાતાના રબર સ્ટેમ્પ તૈયાર કરાવ્યા હતા. તથા અમદાવાદમાં ફરજ બજાવતા આર્કીયોલોજી વિભાગના એક કર્મચારી સાથે મેળાપીપણા કરી બોગસ પરવાનગીઓ ઈસ્યુ કરી હતી. તેવી ચર્ચા પણ તે સમયે ચાલી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.