માર્ચ-2025 સુધી પૃથ્વી પર પાછી નહીં આવી શકે સુનિતા વિલિયમ્સ
વોશિંગ્ટન, નાસાએ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની વાપસીને લઈને એક નવું અપડેટ જારી કર્યું છે. આ મુજબ અવકાશમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સની વાપસી વધુ એકવાર મુલતવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુનીતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર છેલ્લા ઘણા મહિનાઓથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે.
અગાઉ તે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પરત ફરવાના હતા. જોકે, નાસાએ મંગળવારે જણાવ્યું હતું કે તેમને પાછા લાવવાનું મિશન વધુ વિલંબિત થશે. હવે તેઓએ ઓછામાં ઓછા માર્ચના અંત સુધી ત્યાં રહેવું પડશે.ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જૂનમાં બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં આઈએસએસ પર પહોંચ્યા હતા.
આ મિશન માત્ર આઠ દિવસ માટે હતું પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેમનું પરત ફરવાનું મુલતવી રાખવામાં આવ્યું. હવે નાસાએ એક બ્લોગ પોસ્ટમાં પરત ફરવાની વધુ રાહ વિશે માહિતી શેર કરી છે જે મુજબ આઠ દિવસનું આ મિશન ૯ મહિનાથી વધુ લંબાઈ ગયું છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત કરવા માટે બીજું યાન અવકાશમાં મોકલવામાં આવ્યું હતું.
NASAના બે અવકાશયાત્રીઓ સપ્ટેમ્બરમાં ડ્રેગન અવકાશયાન દ્વારા આઈએસએસ પહોંચ્યા હતા. સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર માટે બે બેઠકો ખાલી હતી. પ્લાન એવો હતો કે ચારેય ફેબ્આરી ૨૦૨૫માં ધરતી પર પરત ફરશે. જો કે, નાસાએ મંગળવારે જણાવ્યું હતું કે બે અવકાશયાત્રીઓને લઈ જશે. પરંતું તે માર્ચ ૨૦૨૫ પહેલા લોન્ચ કરી શકાશે નહીં.