મિટીંગ કરવાના બહાને બહેનના પ્રેમીને બોલાવી છરીના ઘા ઝીંકી દીધા
ખોખરામાં યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા-મીટિંગમાં પ્રેમી યુગલના લગ્ન કરાવવાની વાત થઈ ગયા બાદ યુવતીના ભાઈનું હિચકારું કૃત્ય
(એજન્સી)અમદાવાદ, ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના શહેરના ખોખરા વિસ્તારમાં મોડી રાતે બની છે. યુવકને પ્રેમ કરવાનું પરિણામ એટલી હદે ખરાબ મળ્યું કે તે હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. યુવક પર મોડી રાતે પ્રેમિકાના ભાઈએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી.
પ્રેમી યુગલને એક કરવા માટે બન્ને પક્ષે લગ્નની વાતચીત ચાલી રહી હતી ત્યારે છળકપટ કરીને યુવકને છરીઓના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ખોખરા પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હત્યાની કોશિશનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હાટકેશ્વરમાં આવેલા સૂર્યાનગરમાં રહેતા ચિરાગ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં યશ વિનોદ સોલંકી વિરૂદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. ચિરાગ તેના માતા-પિતા અને ભાઈ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવે છે. ચિરાગના ભાઈ સાહિલ પર છળકપટ કરીને છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે. સાહિલ કાગડાપીઠ વિસ્તારમાં આવેલા સફલ-૩માં નોકરી કરતો હતો ત્યારે તેને ફાલ્ગુની સોલંકી નામની પરિણીત યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.
કાલ્ગુની અને સાહિબ એકબીજાને પ્રેમ કરતા હોવાથી તેમણે સાથે જીવવા-મરવાનું નક્કી કરી લીધું હતું અને બે મહિના પહેલાં પરિવારને જાણ કર્યા વગર નાસી ગયા હતા. થોડા સમય બાદ ફાલ્ગુનીના પરિવારને જાણવા મળ્યું હતું કે તે છત્રાલ પાસે છે જેથી તેઓ તરત જ તેને લઈને આવી ગયા હતા.
જ્યારે સાહિલનો પત્તો લાગ્યો નહીં. ફાલ્ગુનીને તેના પરિવારજનોએ ઘરમાં લાવી દીધી હતી અને તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. પરિણીત ફાલ્ગુનીને સાહિલ સાથે જવું હોવાથી તે કોઈને કોઈ રીતે તેનો સંપર્ક કરવાની કોશિશ કરતી હતી.
થોડા દિવસ પહેલાં ફાલ્ગુનીને તેના માતાએ ફોન આપ્યો હતો. જેમાં તેણે તક જોઈને સાહિલને ફોન કરી દીધો હતો. સાહિલને ફોન કરી દેતા તે ફાલ્ગુનીને લેવા માટે આવી ગયો હતો. સાહિલ અને ફાલ્ગુની થોડા દિવસ પહેલાં ફરી ભાગી ગયા હતા. ફાલ્ગુની અને સાહિલના પરિવારજનોએ ફરીથી તેમની શોધખોળ શરૂ કરી દીધી હતી. થોડા દિવસ પહેલાં ફાલ્ગુનીના માતા સાહિલના સંબંધીને મળ્યા હતા અને તેમને આજીજી કરી હતી.
ફાલ્ગુનીના માતા સાહિલના ભાઈ ચિરાગને પણ મળ્યા હતા અને બન્નેને શોધાવવા માટે મદદ માંગી હતી. દરમિયાનમાં ચિરાગને અકસ્માત થયો હોવાથી તે હોસ્પિટલમાં એડમિટ હતો. હોસ્પિટલથી ડિસ્ચાર્જ લીધા બાદ તે પણ સાહિલ અને ફાલ્ગુનીને શોધવામાં લાગી ગયા હતા. દરમિયાનમાં બન્નેના પરિવારને જાણ થઈ હતી કે સાહિલ અને ફાલ્ગુની અંબાજીમાં રોકાયા છે.
બન્નેના માતા અંબાજી એકસાથે પહોંચી ગયા હતા અને શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યા નહીં ત્યારે તેમને જાણ થઈ હતી કે બન્ને આબુરોડ પર છૂપાયા છે. બન્ને માતાઓ આબુરોડ પહોંચી ગઈ હતી અને ફાલ્ગુની તથા સાહિલને ઝડપી પાડયા હતા અને સમજાવીને પોતપોતાના ઘરે લઈને આવ્યા હતા.
ફાલ્ગુનીના સંબંધીઓ અને સાહિલના પિતા નાથાભાઈએ બન્નેના લગ્ન કરાવવા માટે મીટિંગનું આયોજન કર્યું હતું. બન્ને પક્ષના લોકો ખોખરા ગાર્ડનમાં મીટિંગ માટે ગઈકાલે ભેગા થયા હતા. જ્યાં એવી ચર્ચા થઈ હતી કે ફાલ્ગુની અને સાહિલના લગ્ન કરાવી દેવા. બન્ને પક્ષે ખુશીનો માહોલ હતો ત્યારે ફાલ્ગુનીના ભાઈ યશે આ ખુશીને માતમમાં ફેરવી દીધી હતી.
સાહિલ જ્યારે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે યશે તેને જાહેર રોડ પર ઊભો રાખીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. યશે સાહિલના પેટ-ગળા તેમજ માથાના ભાગમાં છરીના ઘા મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડયો હતો. ઈજાગ્રસ્ત સાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત નાજુક છે. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હત્યાની કોશિશનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.