Western Times News

Gujarati News

બાળકોમાં મોબાઈલનો વપરાશ ચિંતાજનક: ચાલતા-ઉઠતા-બેસતા-સૂતા બધે જ મોબાઈલનું સામ્રાજ્ય

દેશમાં અધધધ…. ૧૧પ કરોડ મોબાઈલ સબસ્ક્રિપ્શન નોંધાયા ? 

થોડા સમય માટે નેટ બંધ થાય તો સૌ કોઈ આકુળ વ્યાકુળ થઈ જાય છે

(પ્રતિનિધિ) અમદાવાદ, ભારતમાં મોબાઈલ ઉપયોગ કરનારની સંખ્યા રોજબરોજ વધી રહી છે. જોવા જઈએ તો મોબાઈલનો વપરાશ માત્ર ભારત જ નહિ વિશ્વમાં એક સમસ્યાના સ્વરૂપે બહાર આવી રહી છે. બાળકો, યુવાનો, યુવતિઓ, વૃધ્ધો સૌ કોઈને મોબાઈલનું વળગણ લાગી ગયુ હોય તેવુ ઠેરઠેર ચિત્ર જોવા મળી રહયું છે. એક તરફ ભારત સ્માર્ટ ફોનની નિકાસમાં અગ્રતાક્રમને હાંસલ કરવા આગળ વધી રહયુ છે.

તો બીજી તરફ મોબાઈલના વપરાશનો વધતો ગ્રાફ દેશનાં વિકાસનું ચિત્ર દર્શાવી રહયુ છે. મોબાઈલ રીચાર્જ માટે જે રકમ જાય છે તેના કરતાં વધુ કમાણી થઈ રહી છે. તે હકીકત છે. ડેટા વપરાશમાં પણ સંભવતઃ ભારત ટોચના ક્રમે હોવુ જોઈએ., રસ્તામાં, ઘરે, ચાલતા-ચાલતા, ઉભા-ઉભા લગભગ બધે મોટાભાગના નાગરિકો મોબાઈલમાં મસ્ત-વ્યસ્ત જોવા મળે છે. એક આંકડા અનુસાર દેશમાં લગભગ ૧૧પ કરોડ જેટલા મોબાઈલ સબસ્ક્રિપ્શન નોંધાયા છે

જયારે ભારતના ૬,૪૦,૦૦૦ કરતા વધુ ગામડાઓમાંથી ૬,ર૩,૬૦૦ કરતા વધુ ગામડાઓ મોબાઈલ કવરેજ ક્ષેત્ર હેઠળ આવી ગયા છે. ૧૦-૧પ વર્ષની વચ્ચેની વયના ૮૦ટકા કરતા વધુ બાળકો કે જેઓ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે જે આંતરરાષ્ટ્રીય ૭૬ટકા એવરેજ કરતા ૭ ટકા વધારે હોવાનું કહેવાય છે. મોબાઈલમાં બાળકો વધારે સમય વ્યતિત કરે છે તેવુ મા-બાપનું કહેવું છે.

બાળક મોબાઈલ વધારે ઉપયોગ કરે છે તેની પાછળ આપણે ત્યાંની સામાજીક પધ્ધતિ જવાબદાર હોવાની જગ્યાએ દેખાદેખી કારણભૂત છે. નાનું છોકરૂ હજુ સમજણુ માંડ થયુ હોય ત્યાં તેના હાથમાં મોબાઈલ પકડાવી દેવાય છે વાલીઓને તેમાં બાળકની સ્માર્ટનેસ દેખાય છે મોબાઈલના વપરાશની બાબતમાં આપણી દેશી ભાષામાં કહીએ તો દાટ વાળી દીધો છે.

ટીનએજર- યુવાનો મોબાઈલનો વપરાશ કરવામાં પાવરધા હોય છે મોબાઈલની સ્ક્રીન પર તેમની આંગળીઓ ફટાફટ ફરે છે. ઓનલાઈન કામ તેઓ ગણતરીની મીનીટમાં પુરૂ કરી દે છે. મોબાઈલના ગેરફાયદા છે તો તેના ફાયદા પણ છે ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આવશ્યક છે તેમાંય સ્માર્ટ ફોન જરૂરી મનાય છે. આજકાલ તો મોબાઈલ વિનાની દુનિયા કલ્પી શકાય તેમ નથી. થોડા સમય માટે નેટ બંધ થાય તો સૌ કોઈ આકુળ વ્યાકુળ થઈ જાય છે

મોબાઈલનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય તો ખૂબ જ આવશ્યક ઈન્સ્ટુમેન્ટ છે પરંતુ મોટાભાગના લોકો રીલ્સ જોવામાં બનાવવામાં વ્યસ્ત રહે છે. સોશિયલ મીડિયા પાછળ વધારે સમય વ્યતિત થાય છે નાના બાળકો કે જેમની ઉંમર સાવ નાની છે તેવા બાળકો બે થી ત્રણ કલાક સમય મોબાઈલ પાછળ વ્યતિત કરતા હોવાનું બહાર આવ્યું છે.

મોબાઈલના વ્યાપક વપરાશને કારણે ઓસ્ટ્રેલિયા જેવા દેશે તો ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવા વિચારણા કરી છે આ નિયમ પાછળ એવુ કારણ દર્શાવાયુ છે કે સોશિયલ મીડિયાના ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય સામે જોખમ ઉભુ થાય છે તે ઓછુ થશે. ભારતમાં આ પ્રકારની વિચારણા થવી જોઈએ તેવો સૂર ઉઠી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.