સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર ૮ વ્યક્તિ વિશેષને ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:-
◆» સમાજમાં દૂષણ ફેલાવનાર તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓને મૂકદર્શક બનીને જોવાના બદલે હકારાત્મકતા ફેલાવીને કાઉન્ટર એટેક કરવો જરૂરી
◆» સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે લડી રહેલા યોદ્ધાઓને પ્રોત્સાહનથી અન્ય સમાજસેવકો પ્રેરિત થશે
સાંસ્કૃતિક મૂલ્યોના મૂળ પર હુમલો કરનારા લોકો સામે લડવા અને સમાજને પણ જાગૃત્ત કરવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી
સંતાનોને ભૌતિક સુખ-સુવિધાની સાથે સંસ્કાર, વ્યવહારદક્ષ પણ બનાવીને પરિવાર, અભ્યાસ પ્રત્યે સભાન બનાવવા પણ જરૂરી: સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ અને ‘સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન’ દ્વારા સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ યોજાયો
સમાજમાં દૂષણ ફેલાવનાર તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓને મૂકદર્શક બનીને જોવાના બદલે હકારાત્મકતા ફેલાવીને કાઉન્ટર એટેક કરવો જરૂરી છે. સોશ્યલ મીડિયા પ્રભાવી બન્યું છે, પરંતુ નકારાત્મકતા સામે હકારાત્મક બનીને સાંસ્કૃતિક મૂલ્યોના મૂળ પર હુમલો કરનારા લોકો સામે લડવું અને સાથે સાથે સમાજને પણ જાગૃત્ત કરવો જરૂરી છે’’ એમ સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિવિશેષને સુરત ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ‘સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન’ની પ્રેરણાથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રભાવનાથી મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સર્વશ્રી સાંવરપ્રસાદ રામપ્રસાદ બુધીયા,
સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા, કેશવભાઈ ગોટી, ગીતાબેન શ્રોફ, તરૂણ મિશ્રા, કોમલબેન સાવલિયા અને પ્રતિભા દેસાઈ (વકીલ)ને ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’થી સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી તેમજ રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પુરસ્કારની સાથે પ્રત્યેક સમાજ સેવકને રૂ.૧ લાખનો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે, જેમાં આપણે સૌએ સાથે મળીને સુસંસ્કૃત અને જાગૃત સમાજનું નિર્માણ કરીને સહભાગી બનીએ એવો મત વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સમજણ, મર્યાદા, વ્યવહારૂ જ્ઞાન અને જવાબદારીના ગુણો શીખીશું તો નવી પેઢીમાં મૂલ્યનિષ્ઠાનું સરળતાથી સિંચન કરી શકીશું.
સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરી રહેલા વ્યક્તિવિશેષોને ‘સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’થી સન્માનિત કરતા આનંદની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, યુવાધનને સાચી દિશા આપવા અને દૂષણોને નાથવા પણ એટલા જ જરૂરી છે. નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે મૂલ્યો સાથેના શિક્ષણ પર સતત ભાર મૂક્યો છે.
સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે કામ કરતા ગુજરાત સહિત દેશભરના યોદ્ધાઓને સન્માનિત કરવા સેવ કલ્ચર, સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનની પ્રેરણાદાયી પહેલને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના ‘વિકાસ પણ વિરાસત પણ’ના વિઝનને અનુસરી આધુનિક સમયમાં આપણા સમૃદ્ધ વારસાને જાળવવાની તથા સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનની વિશેષ જરૂર છે.
આ દિશામાં સાંસ્કૃતિક મૂલ્યોનાં રક્ષણ માટે લડી રહેલા સમાજસેવી યોદ્ધાને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તે પણ જરૂરી છે, જેથી અન્ય સમાજસેવકો પણ પ્રેરિત થશે આ વાસ્તવિકતાને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ના સહયોગથી સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર આપવાનું આયોજન કર્યું છે, ત્યારે આ પ્રકારના કાર્યક્રમોથી એકલ-દોકલ વ્યક્તિઓમાં પણ બદલાવ આવશે, તેને જીવવાની નવી દિશા મળશે તો અમારો પ્રયાસ સાર્થક થયો ગણાશે એમ સ્પષ્ટપણે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, રાષ્ટ્ર અને સમાજ પર કુદ્રષ્ટિ રાખી સમાજમાં વિકૃત્તિ ફેલાવનાર, યુવાપેઢીને પતનની ગર્તામાં ધકેલવાના પ્રયાસો કરનાર દેશ અને સંસ્કૃતિ વિરોધીઓ સામે લડવા એક બનવાનું આહ્વાન કરતા ઉમેર્યું કે, યુવાનોને સાચા રસ્તે આગળ વધારવા અને જવાબદાર નાગરિક બનાવવાના સરકારના પ્રયાસોમાં સાંસ્કૃતિક યોદ્ધાઓનો સતત સહયોગ મળી રહ્યો છે, સારી અને પ્રેરક પ્રવૃતિઓને ઉજાગર કરવાના સરકારના કાર્યમાં આમજનતાનો પણ સાથ સહકાર પણ જરૂરી છે એમ જણાવી સંસ્કાર, સંસ્કૃતિ અને શીલના રક્ષણ માટે કાર્યરત યોદ્ધાઓના સન્માન માટે તેમણે યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ તથા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા.
રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સંયુક્ત કુટુંબ અને સમાજમાં એકતા, સદ્દભાવના એ આપણી સંસ્કૃતિ છે. જેની જાળવણી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં અસરકારક કામગીરી થઈ રહી છે. શીલ-સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે જેઓ સમર્પિત છે, સમાજમાં બદલાવ લાવીને સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરનારી વિરલ પ્રતિભાઓ-પથદર્શકોને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ની પ્રેરણાથી ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે
મંત્રીશ્રીએ કહ્યું કે, આજના આધુનિક યુગમાં જયારે યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યારે આપણા સાંસ્કૃતિક મૂલ્યો, આદર્શોને પણ જાળવી રાખવા ખૂબ જરૂરી છે. સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર દ્વારા અન્ય લોકોને પણ સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધનની પ્રેરણા મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
આજે કુટુંબો વિભકત થઈ રહ્યા છે, ત્યારે વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોની સંખ્યા ઘટે એ દિશામાં પણ ગૃહવિભાગ કાર્યરત છે. છેલ્લા વર્ષમાં પોલીસ કાન્સેલીંગ થકી વૃદ્ધાશ્રમોમાં રહેતા ૧૬ જેટલા વડીલોને અને તેમના સંતાનોને એક કરવામાં, સ્વગૃહે પરત લઈ જવામાં સફળતા મળી છે. દાદા-દાદી સમાન કોઈ મોટી યુનિવર્સિટી નથી. સંતાનોને ભૌતિક સુખ-સુવિધાની સાથે સંસ્કાર, વ્યવહારદક્ષ પણ બનાવીને પરિવાર, અભ્યાસ પ્રત્યે સભાન બનાવવા પણ જરૂરી છે એમ શ્રી સંઘવીએ કહ્યું હતું.
લેખક, પત્રકાર, ઈતિહાસકાર અને પૂર્વ RTI કમિશનર અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરે જણાવ્યું હતું કે, વિકૃત સામગ્રીના નિર્માતાઓ સામે યુદ્ધ લડવાની જરૂર છે. ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવવા માટે વિકૃત સામગ્રીના નિર્માતાઓ સામે સંપૂર્ણ યુદ્ધ લડવાની જરૂર છે. સોશ્યલ મીડિયા ઓટીટી પર પ્રસ્તુત થતી વિકૃત સામગ્રી સામે નાગરિકોને અવાજ ઉઠાવવા હાકલ કરી હતી.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર્શાવાતા કાર્યક્રમ પર નિયમન હોવા છતાં અપશબ્દો, અશ્લીલતા અને વ્યભિચારના દ્રશ્યો, સનાતન સંસ્કૃતિ વિરુદ્ધનાં દ્રશ્યો દર્શાવાય છે જેનાથી વ્યક્તિ અને ખાસ કરી કિશોરો, યુવાનોના માનસ પર વિકૃત અસર થાય છે. હાલ ઉપલબ્ધ ૯૦૦ ઓટીટી પ્લેટફોર્મ્સ પૈકી ૮૦૦ ઓટીટી પર વિકૃત્તિ પીરસવામાં આવી રહી છે. જે સમાજ માટે લાલબત્તી સમાન છે. એટલે જ ઓટીટી પ્લેટફોર્મ પર ફેલાતી ગંદકી સામે જાગૃત્ત બનીને ઝઝૂમવા એક થવું જરૂરી છે.
શ્રી માહુરકરે જણાવી ઉમેર્યું કે, યુવાઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમના ચિંતન-મનનને નવી દિશા આપવા માટે રાજ્યભરમાં વિશાળ કક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-૨૦૨૫ યોજાશે, જેમાં ૨૮૦૦ કોલેજોના ૨૦ હજાર યુવા વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધાથી વિદ્યાર્થીઓના વિચારો બદલાશે તો આચરણ પણ બદલાશે. જેનો સીધો અને હકારાત્મક ફાયદો સમાજને થશે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિકૃતિ ફેલાવનારા અસામાજિક તત્વોની સામે સમાજને જાગૃત કરનારી શોર્ટ ફિલ્મ ‘કૃપયા ધ્યાન દેં’ અને ‘એક લડકી’ નિહાળી હતી.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષશ્રી આલોકકુમાર પાંડેએ સ્વાગત પ્રવચન કરી મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોને આવકારતા જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના દીર્ઘદ્રષ્ટિસભર નેતૃત્વમાં ગુજરાતમાં સંસ્કૃતિ અને પરંપરાઓનું સંવર્ધન કરવાની દિશામાં અનેક પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનની પ્રેરક પહેલથી આયોજિત આ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સર્વશ્રી મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ, પ્રવિણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, નર્મદ યુનિ.ના કુલપતિ ડો.કે.એન.ચાવડા, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવશ્રી આઈ.આર.વાળા, ગણમાન્ય અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રોના અગ્રણી મહાનુભાવો, સામાજિક કાર્યકરો, શિક્ષણવિદ્દો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.