Western Times News

Gujarati News

સી. આર. પાટીલની નજદીકી રાજકોટના ઉદય કાનગડને ફળશે?

મોટે ભાગે ઓ.બી.સી.માંથી જ BJP પ્રદેશ પ્રમુખની પસંદગી થશે તેવી હવા ફેલાઈ છે

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદને લઈને રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. મોટે ભાગે ઓ.બી.સી.માંથી જ પ્રદેશ પ્રમુખની પસંદગી થશે તેવી હવા ફેલાઈ છે. તેનુ કારણ એવું અપાય છે કે મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવે છે એટલે એ સમાજ તો ભા.જ.પ.સાથે છે જ.

હવે આવતા દિવસોમાં રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૭% ઓબીસી અનામતના ધોરણે લડવાની હોવાથી હવે એ સમાજ પર વધુ મદાર ભા.જ.પ.નો રહેશે.

આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવે એવી શક્યતા છે.તેના અનુસંધાને હાલ રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ પર પસંદગીનો કળશ ઢોળાય તેવી ચર્ચાએ જોર પકડ્‌યું છે. તેનું કારણ ઉદય કાનગડ વર્તમાન અધ્યક્ષ પાટીલની ખૂબ નજીક છે.

જો કે આ બધી વાતો તો “છાસ છાગોળે, ભેંસ ભાગોળે અને ઘરમાં ધમાધમ”ની કહેવતની યાદ આપે એવી છે! દિલ્હીનું મોવડીમંડળ ‘કોથળામાંથી કેવું બીલાડુ કાઢશે’એની તો કોઈને પણ ખબર નથી હોં!

વડોદરામાં કમુર્તામા ભા.જ.પ.ના કાર્યાલયમાં તખ્તી અનાવરણનો કાર્યક્રમ યોજાયો!
ભા.જ.પ.આમ તો શુકનમાં અને મુહૂર્તમાં બહુ માને છે પણ એકંદરે એ બધો સગવડિયો ધર્મ કહી શકાય એવું પણ ખરું.તેનો પુરાવો એ છે કે ગઈકાલે તા.૨૨મી ડીસેમ્બરે કમૂર્તા હોવા છતાં ભા.જ?.પ.ના નવાં કાર્યાલયમાં તખ્તી અનાવરણનો કાર્યક્રમ યોજાઇ ગયો.

સૌથી મોટી આશ્ચર્યજનક વાત તો એ છે કે જે કાર્યાલયમાં તખ્તી અનાવરણ થયું તેનું બાંધકામ પણ હજુ પૂરું થયું નથી અને આગામી ૩ થી ૪ માસ સુધીમાં પૂર્ણ થવાની પણ કોઈ સંભાવના નથી! આવું અધકચરૂ આયોજન ગોઠવનારને કોઈ કહેનાર પણ નહીં હોય? જોવાની ખૂબી તો એ છે કે આ અધૂરાં કાર્યાલયની તખ્તીનું અનાવરણ કરવા પ્રદેશ પ્રમુખ સી?.આર.પાટીલ જવાનાં છે! આમાં કોણ કોને શું કહે?

ગાંધીના ગુજરાતમા દારૂબંધી અંગે જબરી અંધાધૂંધી પ્રવર્તે છે?
રાજ્યમાં દારૂના વેચાણ માટે આંગળીના વેઢે ગણી શકાય તેટલી હોટલો પાત્રતા ધરાવે છે. આ સંદર્ભે છેલ્લા છ મહિનામાં રાજ્યની કેટલીક હોટલોએ દારૂની પરવાનગી માટે રાજ્ય સરકાર સમક્ષ અરજી કરી છે પણ તેને મંજૂરી આપવામાં આવતી નથી.

આથી નારાજ અરજદાર હોટલ અને ક્લબના માલિકો તેના માટે મુખ્યમંત્રીનો સંપર્ક કરવાનું વિચારી રહ્યા છે.રાજ્યમાં સાત પ્રકારની પરમિટ છે. પાંચ પ્રકારની હેલ્થ પરમિટ અને નોન-હેલ્થ પરમિટની શ્રેણીમાં રાખી શકાય છે. અન્ય બેમાં ગ્રુપ પરમિટ અને ઇન્સ્ટન્ટ પરમિટનો સમાવેશ થાય છે. તમામ પરમિટ ધારકો રાજ્યમાં ૭૭ લાઇસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી જ વિદેશી દારૂ ખરીદી શકે છે.હાલમા રાજ્યમા હેલ્થ પરમિટ મેળવવા માટે ૪૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે.

તે દર વર્ષે રૂ. ૨૦૦૦ ચૂકવીને રિન્યુ કરાવવાની હોય છે. જ્યારે નોન-હેલ્થ પરમિટ એક અઠવાડિયાથી એક મહિના માટે ઉપલબ્ધ છે. તેને મેળવવા માટે ૧૦૦ થી ૫૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.હવે એ જોવુ રહ્યુ કે રાજ્ય સરકાર નવી હોટેલોને દારુ વેચાણના લાઇસન્સ માટે કેવુ વલણ અપનાવે છે?

ડો વી.આર. કથીરિયાની સકારાત્મક ગૌભક્તિ
ભા.જ.પ.ના નેતાઓ અને કાર્યકરોએ પુર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ આર. કથીરિયામાંથી પ્રેરણા લઈને જીવનમાં કેવી રીતે કાર્યશીલ રહી શકાય એ શીખવું જોઈએ. તેનું કારણ એ છે કે ડો.કથીરિયા કેન્દ્રના મંત્રી તરીકે ૫ વર્ષ, ગુજરાત ગૌસેવા આયોગના અધ્યક્ષ તરીકે ૬ અને કેન્દ્ર સરકારના કામધેનુ આયોગના અધ્યક્ષ તરીકે ૩ વર્ષ રહ્યા હતા.એ બધા હોદ્દાની મુદત પુરી થયા પછી નવી રાજકીય નિમણૂકની રાહ જોવાના બદલે ડો.કથીરિયા અવિરતપણે ગૌસેવાનું કામ કર્યા જ કરે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તાલીમ અને સંસ્કારને કારણે અપરિમિત વ્યક્તિગત સંપર્કો તથા અઢળક પ્રવાસથી તેઓ ગૌસેવા અને ગૌવિકાસની પ્રવૃત્તિને સતત ધબકતી રાખે છે જે બેમિસાલ છે.

તાજેતરમાં ડો.કથીરિયાએ મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલ નંદ ગૌશાળામાં ગાય કેન્દ્રી સંસ્થાઓનાં વૈશ્વિક મહામંડળની કારોબારીની બેઠક યોજી હતી.તેમા ગાય સાથે સંકળાયેલા દરેક ક્ષેત્રના તમામ અગ્રણીઓ અને તજજ્ઞો હાજર હતા. સેમિનારનુ શિસ્તબદ્ધ સંચાલન કાબિલે તારીફ હતું. ભા.જ?. પ.પાસે ડો.કથીરિયા જેવા નિષ્ઠાવાન સેવકો છે એ જ એનું સાચું બળ છે એવું લાગે છે.

ભાવનગરના રેન્જના આઈ. જી. ગૌતમ પરમારની કદરદાની

ભાવનગરના IPS ગૌતમ પરમાર મોડી રાત્રે પોતાની ઓળખ સંપૂર્ણ રીતે છૂપાવીને રાત્રે રાઉન્ડમાં નીકળ્યા

ગુજરાત રાજ્યની આઈ. પી. એસ. કેડરની ૨૦૦૪ની બેચના અધિકારી અને હાલ ભાવનગર રેન્જના આઈ.જી.પી. તરીકે ફરજ બજાવતા ગૌતમ પરમારની છાપ એક સંવેદનશીલ, માનવીય અભિગમ ધરાવતા અને સક્ષમ અધિકારી તરીકેની રહી છે.

નીચલા મધ્યમ વર્ગના કુટુંબમાં ઉછરેલા ગૌતમ પરમાર જમીન સાથે નિસ્બત ધરાવતા પોલીસ અધિકારી છે. આ વાતનો પુરાવો આપતી એક ઘટના સામે આવતી રહે છે.

તાજેતરમાં ભાવનગરના IPS ગૌતમ પરમાર મોડી રાત્રે પોતાની ઓળખ સંપૂર્ણ રીતે છૂપાવીને રાત્રે રાઉન્ડમાં નીકળ્યા. તે વખતે નિયમ ભંગ કરીને ગાડી ચલાવતા હોવાથી પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તેમને રોક્યા તો તેઓએ ડી.એસ.પી.ને ફોન કરવાની ધમકી આપી પણ પોલીસ સ્ટાફ અડગ રહેતા ગૌતમ પરમારે ઇન્સ્પેક્ટરને રૂ.૧૦૦૦/- તથા અન્ય પોલીસ કર્મીઓને રૂ.૨૦૦/-નું સ્થળ પર રોકડમાં ચૂકવી આપીને સૌને શાબાશી આપી હતી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.