બહેરામપુરા 30 MLD CETP ફરી શરૂ કરવા હિલચાલ
જીપીસીબીની લીલીઝંડી સિવાય સીઈટીપી શરૂ કરવો મુશ્કેલ-કોર્પોરેશનના ફસાયેલા નાણાં કોણ રિકવર કરશે ? : ચર્ચા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બહેરામપુરામાં તૈયાર કરવામાં આવેલ સીઈટીપીમાં ઈનફલો અને આઉટફલોમાં પેરામિટર્સ જળવાતા ન હોવાથી તેમજ ક્ષમતા કરતા વધુ પ્રદૂષિત પાણીની આવક થવાના કારણોસર જીપીસીબી દ્વારા તેને સીલ કરવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા જૂન મહિનામાં સીલ કરવામાં આવેલ સીઈટીપીમાં કોર્પોરેશનને લગભગ રૂ.૧૦૦ કરોડ ફસાયા છે.
બીજી તરફ સીઈટીપી બંધ થતા મોટાભાગના પ્રોસેસ હાઉસ બંધ છે અને જે થોડા ઘણા ચાલે છે તે ડાયરેકટ ડ્રેનેજ લાઈનમાં એસીડીક વોટર છોડી રહ્યા હોવાની ફરિયાદો પણ આવી છે. જેના કારણે મ્યુનિ. કોર્પોરેશનમાં સીઈટીપી ફરીથી શરૂ કરવા માટે ચર્ચા વિચારણા શરૂ થઈ છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, જ્યાં સુધી જીપીસીબી સીલ ન ખોલી આપે ત્યાં સુધી કોર્પોરેશન પણ કાંઈ કરી શકે તેમ નથી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આસ્ફા ભલામણ બાદ તૈયાર કરવામાં આવેલ ૩૦ એમએલડી સીઈટીપીમાં કોર્પોરેશનને કેન્દ્ર અને રાજય સરકારની ગ્રાંટ મળી ન હોવાથી તે શરૂ કરવામાં આવ્યો ન હતો. પરંતુ મ્યુનિ. સત્તાધીશ પાર્ટીના એક ઉચ્ચ નેતાએ આ મામલે અંગત રસ લીધો હતો તેમજ યેનકેન પ્રકારે પ્લાન્ટ શરૂ કરાવ્યો હતો. પરંતુ સીઈટીપી શરૂ થયા બાદ જેટલા એકમોની નોંધણી કરવામાં આવી હતી તેના કરતાં વધુ એકમો દ્વારા પ્રદૂષિત પાણી સીઈટીપીમાં છોડવામાં આવતું હતું.
આ ઉપરાંત તેથી સીઈટીપીની ક્ષમતા કરતાં વધારે પ્રદૂષિત પાણીની આવક કરતાં તેને બાયપાસ કરવાની પણ ફરજ પડતી હતી. ક્ષમતા કરતાં વધુ માત્રામાં અને વધુ દૂષિત પાણી આવવાથી તેના પેરામિટર્સ પણ જળવાતા ન હતા તેવી ફરિયાદો મળ્યા બાદ જીપીસીબી દ્વારા વિજિલન્સ તપાસ કરી તેને સીલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીઈટીપી શરૂ કરતા પહેલા મનપાના અધિકારીઓએ આસ્ફા પાસેથી લેખિત બાંહેધરીઓ લીધી હતી
જેમાં પ્લાન્ટની સામે આપવાની થતી જમીન (પીપળજ સર્વે નં.૩૦), ર૦૧પથી જંત્રી મુજબનો તફાવત કોર્પોરેશનમાં જમા કરાવવો તેમજ ત્રણ મહિનામાં જમીન એન.એ. કરાવી આપવાની હતી આ અંગેનો તમામ ખર્ચ આસ્ફા ભોગવશે તેમ પણ લખવામાં આવ્યું હતું આ ઉપરાંત કેન્દ્ર સરકારની બાકી રહેતી રૂ.૪૪.૧૬ કરોડ અને રાજય સરકારની બાકી રહેતી ગ્રાંટ રૂ.૩૪.૬૧ કરોડ મળી કુલ રૂ.૭૮.૭૭ કરોડની રકમ ફેબ્રુઆરી ર૦ર૪ પહેલા કોર્પોરેશનમાં જમા કરાવવાની હતી.
જો સદર રકમ સરકાર તરફથી ન મળે તો તે રકમ એસોસીએશન ચુકવશે તેમજ તેમાં વિલંબ થાય તો ૧ માર્ચ ર૦ર૪થી ર૮ ફેબ્રુઆરી ર૦રપ સુધી પ્રતિ એમએલડી પ્રતિમાસ રૂ.રર,૮૦,૪૦૦ કેપીટલ રકમ પર કોર્પોરેશનને વ્યાજ આપવાનું રહેશે તે મુજબનો બાંહેધરી પત્ર એસોસીએશન તરફથી કોર્પોરેશનને લખી આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સીઈટીપીનું આઉટલેટ ડાયરેકટ નદીમાં ન જતા બાજુમાં આવેલ ૧૮૦ એમએલડી પ્લાન્ટમાં જોઈન્ટ કરવામાં આવ્યું હતું. જેના કારણે ૧૮૦ એમએલડી પ્લાન્ટના પેરામીટર્સ પણ જળવાતા ન હતા. હવે જયારે પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો છે ત્યારે ફેકટરી માલિકો કેટલા દિવસ સુધી વેપાર ધંધા બંધ રાખશે તે મોટો પ્રશ્ન છે તેમજ જો તેઓ ફેકટરીઓ શરૂ કરશે તેવા સંજોગોમાં પ્રદુષિત પાણી ડાયરેકટ ડ્રેનેજ લાઈનમાં જશે કે કેમ તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.
આ તમામ બાબતો વચ્ચે સૌથી મોટો પ્રશ્ન મ્યુનિ. કોર્પોરેશનના રૂપિયા અને જમીનનો છે. આ ઉપરાંત અગાઉ આસફા દ્વારા જે બાંહેધરી આપવામાં આવી હતી તે મુજબ દૈનિક વ્યાજ પણ વસૂલ કરવાની છે. આ ઉપરાંત સીઈટીપીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. તેથી તેને ખોલવાની સત્તા પણ પ્રદૂષણ બોર્ડ પાસે છે તેથી કમિશનર કે સત્તાધીશો દ્વારા સીઈટીપી શરૂ કરવા માટે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તો પણ તે માત્ર કાગળ પર રહેશે
જ્યાં સુધી પ્રદૂષણ બોર્ડ લીલીઝંડી નહીં આપે ત્યાં સુધી આ સીઈટીપી શરૂ થઈ શકે તેમ નથી અને એ શરૂ થાય ત્યારબાદ પણ સૌથી મોટી પ્રશ્ન કોર્પોરેશનના બાકી લહેણાંનો રહે છે.