મેન્ટેનન્સના ૧૩.૪૮ લાખ સોસાયટીના સુપરવાઈઝરે ચાઉં કર્યા
(એજન્સી)અમદાવાદ, આનંદનગરમાં વિશાલ ટાવર ફલેટના સુપરવાઈઝરે મેમ્બરો પાસેથી ફલેટની ટ્રાન્સફર ફી, મેઈન્ટેનન્સ, પા‹કગ, માલસામાન શિફટિંગ ફી મળીને કુલ રૂ.૧૩.૪૮ લાખ ઉઘરાવ્યા હતા.
જો કે, સુપરવાઈઝરે તમામ રૂપિયા પોતાની પાસે રાખીને નોકરી છોડીને જતો રહ્યો હતો. સોસાયટીના રહીશોએ હિસાબ ચેક કરતાં ૧૩.૪૮ લાખની ઉચાપત થયાની જાણ થઈ હતી. આ અંગે સેક્રેટરીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં સુપરવાઈઝર વિરૂદ્ધમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આનંદનગરમાં વિશાલ ટાવરમાં રવિન્દ્રભાઈ મુનશી પરિવાર સાથે રહીને નોકરી કરે છે. તેઓ છેલ્લા એક વર્ષથી વિશાલ ટાવરના સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળે છ. તેમના ફલેટમાં માર્ચ ર૦રરથી જુલાઈ ર૦ર૪ સુધી સુપરવાઈઝર તરીકે કુશાન કારીયાને નોકરીએ રાખ્યો હતો. આ કુશાન ફલેટનો વહીવટ તેમજ સોસાયટીના તમામ કામકાજ કરતો હતો.
આ ઉપરાંત કુશાન ફલેટની નાણાંકીય લેવડ દેવડ પણ કરતો હતો જેથી કુશાન પાસે ફલેટની ટ્રાન્સફર ફી, મેઈન્ટેનન્સ ફી, માલસામાન શિફટીંગ ફી વગેરે રહેતી હતી અને તેનો હિસાબ રાખતો હતો. જો કે, જુલાઈ ર૦ર૪માં કોઈને જાણ કર્યા વિના કુશાન કારીયા નોકરી છોડીને જતો રહ્યો હતો જેથી સોસાયટીના મેમ્બરો એ તમામ હિસાબસ ચેક કરતાં રૂ.૧૩.૪૮ લાખનો હિસાબ મળતો ન હતો.
આથી ફલેટના રહીશોએ ચૂકવેલા રૂપિયાની સ્લીપો સેક્રેટરીને જમા કરાવીને હિસાબ તપાસ્યો હતો. જેમાં સુપરવાઈઝરે ૧૩.૪૮ લાખ રૂપિયા ઉઘરાવીને પોતાના પાસે રાખ્યાનું સામે આવ્યું હતું. જેના પગલે રવીન્દ્ર સહિતના મેમ્બરોએ કુશાનનો સંપર્ક કરતાં થયો હતો. આ અંગે સેક્રેટરી રવિન્દ્રભાઈએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં સુપરવાઈઝર કુશાન વિરૂદ્ધમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.