નારણપુરાના આનંદ ભાજીપાઉં- વાસણાના મેઘાણી ફર્નિચરને ગંદકી કરવા બદલ સીલ કરાયા
જાહેરમાં ગંદકી કરવા બદલ દુકાનો સીલ કરી દેવાતા વેપારીઓમાં ફફડાટ-ગંદકી કરનાર પશ્ચિમ ઝોનમાં છ અને ઉત્તર પશ્ચિમ ઝોનનાં બે એકમ સીલ-
અમદાવાદ, સતત વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદમાં વધી રહેલી વસ્તીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ પણ ઉદ્દભવી રહી છે. ખાસ કરીને કેટલાક જવાબદાર નાગરિકો દ્વારા જાહેર માર્ગ પર ગંદકી કરવામાં આવી રહી છે અને તેના કારણે શહેરીજનોનું આરોગ્ય પણ જોખમમાં મૂકાઈ રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ આવા બેજવાબદાર નાગરિકોને શિસ્તના પાઠ ભણાવવા માટે સોલિડ વેસ્ટને મેનેજમેન્ટ વિભાગને કડક આદેશ આપ્યા છે.
ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં સમાવેશ ધરાવતા પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં રોજેરોજ સઘન ચેકિંગ હાથ ધરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા ધંધાર્થીઓને આકરો દંડ ફટકારવામાં આવે છે અને જરૂર જણાય તો ધંધાકીય એકમને સીલ મારતા પણ તંત્ર ખચકાતું નથી. ગઈકાલે એક જ દિવસે પશ્ચિમ ઝોનના છ અને ઉત્તર પશ્ચિમ ઝોનના બે ધંધાકીય એકમને જાહેરમાં ગંદકી કરવા બદલ સીલ કરી દેવાતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કે ન્યુસનસ કરવા ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા એકમો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તંત્રની ટીમોએ સમગ્ર પશ્ચિમ ઝોનમાં કુલ ર૧૪ જેટલા યુનિટનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને ગંદકી તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ વપરાશ બદલ કુલ ૧૦૩ એકમને નોટિસ ફટકારવામાં આવી હતી.
તંત્ર દ્વારા સમગ્ર ઝોનમાંથી કુલ બે કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને રૂ.ર૦,૦૦૦નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં જીપીએમસી એકટ અને પબ્લિક બાયલોઝ અંતર્ગત કુલ છ એકમને જાહેરમાં ગંદકી કરવાના ગુના સબબ સીલ કરી દેવામાં આવ્યા હતા.
નવરંગપુરા વોર્ડના સીજી રોડ પર આવેલા હરીશ પાન એન્ડ ડ્રાયફ્રૂડ આંબાવાડી બજારના ક્રિષ્ના કિરાણા સ્ટોર, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં કેશવનગરના અંબિકા પાર્લર, સુભાષબ્રિજ નજીકના ગાંઠિયા-ભજીયા હાઉસ, નારણપુરાના પલ્લવ રોડ પરના આનંદ ભાજીપાઉં, વાસણાના મેઘાણી ફર્નિચરને તંત્રની ટીમ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા.